મોબાઇલ એસેસરીઝના વેપારી આધેડ સાથે બેંક કર્મચારીના નામે છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ઓનલાઈન ફ્રોડ કરતાં ગઠિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક મોબાઈલ એસેસરીઝના વેપારીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દેવાનું કહી ગઠિયાએ 2.95 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયા રોડ પર સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતાા અને ઘરેથી જ મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતાં પ્રશાંતભાઇ અરૂણભાઇ ચોક્સી ઉ.45એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એક બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે, ગત તા.6 ઓગસ્ટના એક શખ્સનો ફોન આવ્યો હતો અને તે વ્યક્તિએ પોતાની ઓળખ બેંકના કર્મચારી રાજીવસિંગ તરીકે આપી હતી અને પ્રશાંતભાઇને કહ્યું હતું કે, આપનો સિબિલ સ્કોર સારો છે, આપના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપશું. પ્રશાંતભાઇને આ વાત પસંદ આવી હતી અને તેમણે ફોન કરનાર વ્યક્તિના કહ્યા મુજબ ચાલુ ફોન પર જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને થોડી જ ક્ષણોમાં પ્રશાંતભાઇના ખાતામાંથી રકમ ટ્રાન્સફર થવા લાગી હતી અને કેટલાક વ્યવહારમાં રૂ.3,15,792 ઉપડી ગયા હતા, બીજા દિવસે પ્રશાંતભાઇ બેંકે ગયા તો બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે, બેંકના કોઇ કર્મચારીએ ફોન કર્યો નથી, તમારી સાથે છેતરપિંડી થઇ છે, સાયબર ફ્રોડની જાણ થતાં પ્રશાંતભાઇએ ઓનલાઇન ફરિયાદ કરતાં પ્રશાંતભાઇના એકાઉન્ટમાંથી જે રકમ ઉપડી હતી તે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી જેમાં સાયબર ક્રાઇમની ટીમે રૂ.20 હજાર જેમાં ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ ફ્રીઝ કરી લેતા તે રકમ પ્રશાંતભાઇની બચી ગઇ હતી, અન્ય રૂ.2,95,792ની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.