ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સિનિયર ઑબ્ઝર્વર અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે આવશે. ત્યારે તેઓના પ્રવાસ બાદ મોટા સમાચાર સામે આવી શકે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનેક દિગ્ગજોના પણ ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મિશન 2022 માટે 10 ઓગસ્ટથી 2 દિવસના અમદાવાદ પ્રવાસે આવશે.
- Advertisement -
ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે કરશે બેઠક
મહત્વનું છે કે, અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. અશોક ગેહલોત અમદાવાદ આવીને લોકસભાના નિરીક્ષકોને સોંપાયેલી જવાબદારીનો રિવ્યુ કરશે. અશોક ગેહલોત ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠક પણ કરશે. પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે ગેહલોત બેઠક કરશે.
કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે
- Advertisement -
નોંધનીય છે કે, અગાઉ 2 વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. જો કે, આ વખતે ગેહલોતના પ્રવાસ બાદ મોટી ખબર સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. આથી, ગેહલોત ઉમેદવાર મામલે જરૂરી સૂચના આપશે. કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે. છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાયું છે. આથી, કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે.
અશોક ગેહલોતને સિનિયર ઑબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા છે
તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના CM ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.