શિયાળો પૂરો થઈ ગયો છે. લગભગ 14 વર્ષ, 18 ટેસ્ટ અને નિરાશાના સાડા ત્રણ પ્રવાસો પછી, ઇંગ્લેન્ડે આખરે એમસીજી ખાતે બે-દિવસીય બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રખ્યાત વિજય સાથે તેના ઓસ્ટ્રેલિયન શાપથી મુક્તિ મેળવી.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે 4 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી પર લગભગ 14 વર્ષ અને 11 મહિના બાદ કોઈ ટેસ્ટ મેચ જીતી છે. જોકે, ઓસ્ટ્રેલિયા શરૂઆતની ત્રણ ટેસ્ટ જીતીને પહેલાથી જ સીરિઝ પર 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે, પરંતુ આ જીત સાથે ઈંગ્લેન્ડે આખરે જીતનો સ્વાદ ચાખ્યો છે અને સીરિઝની સ્થિતિ હાલ 3-1 છે.
- Advertisement -
14 વર્ષનો દુકાળ પૂરો, સ્ટોક્સ-રુટની પ્રથમ જીત
ઈંગ્લેન્ડ માટે આ જીત ઐતિહાસિક છે કારણ કે તેણે છેલ્લે જાન્યુઆરી 2011માં ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તમામ એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડનો કારમો પરાજય થયો હતો. 2013/14, 2017/18 અને 2021/22ની એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને સજ્જડ હાર આપી હતી. આ જીત કેપ્ટન બેન સ્ટોક્સ અને પૂર્વ કેપ્ટન જો રૂટ માટે પણ ખાસ છે, કારણ કે આ બંને દિગ્ગજ ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પ્રથમ ટેસ્ટ જીત છે.
મેચનો રોમાંચ: બીજા દિવસે જ આવ્યું પરિણામ
- Advertisement -
મેલબોર્નમાં રમાયેલી આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, જેમાં બોલરોનો દબદબો રહ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 45.2 ઓવરમાં માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેમના માટે માઈકલ નેસરે સૌથી વધુ 35 રન બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 રનનું યોગદાન આપ્યું. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ
ઓસ્ટ્રેલિયાના 152 રનના જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ પણ 110 રનમાં સમેટાઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 42 રનની મહત્વની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 41 અને ગસ એટકિન્સને 28 રન બનાવ્યા, પરંતુ 8 બેટ્સમેન ડબલ ડિઝીટનો આંકડો પણ પાર કરી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 4 અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ
42 રનની લીડ સાથે બીજી ઈનિંગ્સમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર લથડી અને 34.3 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટ્રેવિસ હેડે સૌથી વધુ 46 રન બનાવ્યા, જ્યારે 8 બેટ્સમેન ડબલ ડિઝીટના આંકડા સુધી પહોંચી શક્યા નહીં. ઈંગ્લેન્ડ તરફથી બ્રાઈડન કાર્સએ 4 અને કેપ્ટન સ્ટોક્સે 3 વિકેટ ઝડપી.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સ અને વિજય
જીત માટે 175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. તેમના માટે જેકબ બેથેલે 40, જેક ક્રાઉલીએ 37 અને બેન ડકેટે 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું. અંતે, હેરી બ્રુક (18*) અને જેમી સ્મિથે (3*) અણનમ રહીને ટીમને જીત અપાવી.




