1100 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા: 86 ગામને એલર્ટ કરાયા
હવે નુકસાનીનો વરસાદ વરસતા જનજીવન પર માઠી અસર
- Advertisement -
નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસતા હવેનો વરસાદ નુકશાની વરસાદ જોવા મળતા જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે જેમાં 86 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.અને 1100 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સોરઠ પંથકમાં અવિરત વરસાદના પગલે હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે.બીજી તરફ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખેતી પાકને મોટું નુકશાન જોવા મળી રહ્યું છે.ત્યારે અનેક ગામડાઓ વિખુટા પડતા ગ્રામ્ય જીવન પર ખુબ મોટી અસર પડી છે.ઘેડના અનેક ગામો બેટમાં ફેરવતા છેલ્લા 6 દિવસથી ઘર બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર પણ એક્શન મોડ આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જયારે કેશોદ અને માળીયા હાટીનામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહી રહી છે.અને અનેક ગામોમાં પાણી ઘુસી જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.જયારે જૂનાગઢ સહીત અન્ય તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ પડતા જનજીવન પર માઠી અસર જોવા મળી છે.હવે જે વરસાદ વરસી રહ્યો છે.તે વરસાદ નુકશાનીનો વરસાદ જોવા મળી રહ્યો છે.હવે વરસાદી પાણીનો સંગ્રહ જમીન કરી શેકે તેમ નથી જમીન માંથી રેસ ફૂટી ગયા છે તેની સાથે કુવા, બોર છલોછલ ભરાય ગયા છે.અને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે. જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે 48 જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ 22 જેટલા ગામ તેમજ માંગરોળમાં 15 ગામ સંપર્ક વિહોણા છે.જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે.
જિલ્લામાં 19 જેટલા ડેમમાંથી 14 જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે 86 જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે થયા હતા.આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખી છે.




