ગરમીમાં રાહત આપતાં શેરડીનો રસ પીવા માટે ચિચોડા પર લોકોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય. ગરમીના કારણે વાંરવાર કંઇ ને કંઇ ઠંડુ પીવાનું મન થાય છે. એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જ જાય. ઉનાળાની સિઝન દરમિયાન ખાસ કરીને રાજકોટના અનેક જાહેર માર્ગો પર ચિચોડા જોવા મળે છે. શેરડીનો રસ કાઢતા આ ચિચોડાથી શેરડીના રસનું વેચાણ કરતાં વિક્રેતાઓએ જણાવ્યું હતું કે આ એક લાકડાનો ચિચોડો તૈયાર થવામાં ક્યારેક બે ત્રણ મહિનાનો સમય લાગી જતો હોય છે. રાજકોટમાં બહુમાળી ચોક, ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ, લક્ષ્મીનગરનું નાલુ, એસ્ટ્રોન ચોક સહિતના અનેક જાહેર માર્ગો પર ચિચોડા જોવા મળે છે.
શેરડીનો રસ કાઢવામાં સૌથી મહેનતવાળુ કામ આ હાથાને ગોળ-ગોળ ફેરવાનું હોય છે. ઉનાળાની સિઝન દરમિયાન ચાર મહિના સુધી જાહેર રસ્તા પર આ ચિચોડા જોવા મળતા હોય છે. જ્યારે ઉનાળાની સિઝન પૂરી થાય એ પછી આ પરપ્રાંતિય વિક્રેતાઓ પોતાના વતનની વાટ પકડતા હોય છે. જો કે, વારંવાર સંચાને મહારાષ્ટ્ર લઈ જવો અને લાવવો મોંઘુ પડી જાય. જેથી ચારથી પાંચ વિક્રેતાઓ ભેગા થઈને રાજકોટમાં જ એક રૂમ ભાડે શોધી લેતા હોય છે. પછી આ ચિચોડાના તમામ ભાગોને અલગ અલગ કરી દઈ રૂમમાં સાચવતા હોય છે.
8 મહિના માટે એક ચિચોડા પેટે તેઓ બેથી ત્રણ હજારનું ભાડુ ચૂકવતા હોય છે. એ પછી જ્યારે ફરી ઉનાળાની સિઝન શરૂ થાય એટલે આ વિક્રેતાઓ અહીં આવી જતા હોય છે અને ફરીથી શેરડીનો રસ કાઢવાના વ્યવસાયમાં જોડાઈ જતા હોય છે. જો કે, હવે આ ચિચોડામાં પણ કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. હાથાના બદલે મશીન ગોઠવી દેવામાં આવ્યું છે જેથી આ મહેનત કરવી પડે નહીં. સ્વીચ ચાલુ કરતાં જ મશીન ચાલુ થઈ જાય છે અને ઓટોમેટિક રસ નીકળતો હોય છે. ચિચોડામાંથી કાઢવામાં આવતો શેરડીના રસનો એક ગ્લાસ રૂા. 15થી 20 હોય છે, તો અમુક જગ્યા પર મોટો લોટો ભરીને પણ રસ આપતાં હોય છે.
‘રસવંતી’ના નામથી ઓળખાય લાકડાનો ચિચોડા
ઉનાળાની સિઝન દરમિયાન રાજકોટમાં ઠેર ઠેર આવા વાદળી રંગના લાકડાના સંચા જોવા મળે છે. આ લાંકડાના સંચા તૈયાર થવાથી માંડીને રાજકોટ સહિત ગુજરાતના અલગ અલગ આવે ત્યાં સુધીની આખી વાત પણ રસપ્રદ છે. શેરડીનો રસ કાઢતા આ સંચાનું નામ રસવંતી છે. શેરડીનું વેચાણ કરતા વિક્રેતાઓએ જણાવ્યું કે, આ સંચા મહારાષ્ટ્રના અહમદનગરમાં તૈયાર થાય છે. જે ‘રસવંતી’ના નામથી ઓળખાય છે. આ સંચા બબુલ એટલે કે બાવળના ઝાડના લાકડામાંથી તૈયાર થાય છે. સંચો તૈયાર કરવા માટે ઓર્ડર આપવો પડતો હોય છે.
- Advertisement -
ચિચોડાનો રસ હાઈજેનિક છે કે નહીં?
તો વાત કરવામાં આવે તો એવી પણ ચર્ચા થતી હોય છે કે ચિચોડામાંથી કાઢવામાં આવતો શેરડીનો રસ હાઈજેનિક નથી, તે આરોગ્ય માટે યોગ્ય નહીં હોવાની પણ વાતો થતી હોય છે એટલે લોકો ચિચોડા કરતાં સંચાનો રસ પીવાનું વધુ હિતાવહ ગણે છે.



