મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો અપાર ઉત્સાહ
સોમનાથ મંદિર પરિસરમાં ભોળાનાથની પાલખીયાત્રા નીકળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થીત થયો હતો. આજે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું. “ૐ નમ: શિવાય” અને “જય સોમનાથ” ના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું, અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો. સોમનાથ મહાદેવને પ્રાત: મહાપૂજન માં વિશ્વશાંતી અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલી હતી. સોમનાથ મહાદેવની વિશેષ પ્રાત: શૃંગાર કરવામાં આવેલો હતો જેમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફુલના હારો નો ઉપયોગ કરવામાં આવેલો હતો. પારંપરિક સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો.સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ થી ગુંજી ઉઠો.ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તો ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે ખાસ મહાશિવરાત્રિના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી અને પોતાને નસીબદાર ગણાવતા જોવા મળ્યા. આ સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે વિજય રૂપાણીએ પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરી હતી.
સમુદ્ર તટે 3500થી વધુ ભકતોએે પાર્થેશ્ર્વર શિવલિંગનું મહાપૂજન કર્યુ
- Advertisement -
મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. લાખો લોકો મહાશિવરાત્રી પર્વે સોમનાથ આવેલ હોય ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજા નો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના અંતર્ગત સોમનાથ મારુતિ બીચ ખાતે 3500 થી વધુ ભક્તોને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવી હતી.



