જય જલારામ, જય રઘુવંશ, દેવાયત ખવડના હાકલા- પડકારાથી યુવાનો ઝૂમી ઉઠ્યા
રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવાના લાભાર્થે લોકડાયરો યોજાયો
- Advertisement -
લાખણસી ગઢવીએ શહીદ વીરદાદા જશરાજના ઈતિહાસને ઉજાગર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત ખવડ અને લાખણસી ગઢવી અને સુખદેવ ડાંગરે ચાહકોને લોકસાહિત્યનું રસપાન કરાવ્યુ. આ લોકડાયરામાં રેસકોર્સમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ત્યારે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરામાં રઘુવંશીનું સપાખરૂં લલકારતા જ દેવાયત ખવડ પર પૈસાનો વરસાદ કર્યો હતો. રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડે ડાયરામાં સાહિત્ય, વીરરસની વાતો કરતા જણાવ્યુ હતુ કે, રઘુવંશી સમાજના દાદાની વીરરસની વાતો કોને ન ગમે. . રઘુવંશી સમાજના પ. પૂ. ભક્ત જલારામ વિશ્વ વિખ્યાત છે. દેવાયત ખવડે નાલંદા વિશ્વવિદ્યાલયના ઈતિહાસની વાત કરતા જણાવ્યુ હતુ કે, ધર્મની રક્ષા માટે લડવું જરૂર છે એક થવુ જરૂરી છે. ત્યારબાદ રઘુવંશી શ્રી રામની વીરતાની વાતો ઉજાગર કરતા જ લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોકડાયરામાં કલાકાર લાખણસી ગઢવીએ શહીદ વીરદાદા જશરાજજીનો ઈતિહાસ ઉજાગર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતની ભુમિએ શૌર્યભુમિ છે. દેશની સંસ્કૃતિ તથા હિંદુ ઘર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતને ન્યોછાવર કરી છે. એવા એક શુરવીર યોદ્ધા સુર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જશરાજે ગાયોની રક્ષા કાજે શહીદી વ્હોરી હતી. લગ્નના મંડપમાંથી ઉભા થઈ માત્ર 24 વર્ષની ઉમરે શત્રુઓનો નાશ કરી પરત ફર્યા ત્યારે તેના જ એક મિત્રએ દગાથી ધડ પરથી માથુ ઉતારી લેતા વીરદાદા જશરાજે શહીદી વ્હોરી હતી. જ્યારે રઘુવંશી સમાજના રવિ કોટકે લોહાણા સમાજના ઈતિહાસની વાતો કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. મહત્વનું છે, કે સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં શૂરવીરો અંગે વાત કરતા અને રઘુવંશીના ઈતિહાસની વાત કરતા લોહાણા સમાજના લોકો દ્વારા દેવાયત ખવડ પર રૂપિયાઓનો વરસાદ કર્યો હતો. લાખો રૂપિયાની વર્ષા થતા ડાયરામાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું.