આજથી નવલા નોરતાનો પ્રારંભ થતાની સાથે જ ભક્તો માતાજીનાં દર્શનાર્થે ઉમટ્યા છે. પ્રથમ દિવસે યાત્રાધામ પાવાગઢ તેમજ અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
નવરાત્રીનાં પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ઊંઝા, કાગવડ ખાતે માતાજીનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. નોરતા શરૂ થાય અને શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ન ઉમટી પડે એવું તો શક્ય જ નથી. નવરાત્રીના પહેલા દિવસે જ શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોલ માડી અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
- Advertisement -
યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં અંબાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. માતાજીની એક ઝલક માટે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. દ્વાર ખુલતા માતાજીનાં દર્શન કરવા ભક્તો દોડ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણહારવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.
પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
- Advertisement -
નવરાત્રીના પહેલા દિવસે જ પાવાગઢમાં માઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા. ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયું હતું. નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનવ મહેરામણ જોઈ શકાતો હતો. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી છે અને દરરોજ ત્રણ પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ-રાત થઈ રહી છે. એક જ દિવસની અંદર પ્રસાદના 35 થી 40 હજાર પેકેટ બની રહ્યાં છે.
પાવાગઢમાં પદયાત્રીઓને અંધારામાં ચાલીને માચી સુધી પહોંચ્યા: વહેલી સવારથી રોપ-વૅ સેવા પણ શરૂ કરી દેવાઈ
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે તમામ તૈયારીઓ કરી હોવાની વાતો વચ્ચે પહેલા જ નોરતે તળેટીમાંથી માચી સુધી ચાલીને જતા પદયાત્રીઓને લાઇટિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા કલેક્ટરે સતત સૂચનાઓ આપી હોવા છતાં અને હાલોલ પ્રાંત અધિકારીના સતત મોનિટરિંગ પછી પણ પગપાળા ચાલીને આવેલા માઇભક્તોએ કેટલીક જગ્યાએ અંધારામાં ચાલીને માચી સુધી જવું પડ્યું હતું. આજે પહેલા નોરતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ નિજ મંદિરના દ્વારા કલાક વહેલા એટલે કે 4:00 વાગ્યે ખોલી દીધા હતા. તો રોપવે ઉડન ખાટોલાની સુવિધા પણ વહેલી સવારે જ શરૂ કરી દેવામાં આવતા અનેક યાત્રિકો રોપવેમાં ડુંગર ઉપર પહોંચ્યા હતા. તો એસટી નિગમ દ્વારા પણ વહેલી સવારથી પાવાગઢ ડેપોથી માચી સુધીના બસોના રૂટ શરૂ કરી દેવામાં આવતા યાત્રિકોને માચી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.