ચાર્જ સંભાળતાં પહેલાં જ પંડિતે શિક્ષણ સમિતિની સત્તાવાર ગાડી મંગાવી લીધી
કાર્યકારી પ્રમુખને આમંત્રણ હોવા છતાંય વગર આમંત્રણે સ્ટેજ પર ગોઠવાઈ ગયા!
- Advertisement -
અતુલ પંડિતની સત્તાની ભૂખ અને વહિવટમાં મનમાની વધુ એક વખત ઉઘાડી પડી
ખાસ-ખબર સંવાદદાતા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતના કારનામા અખબારોના પાને નિયમિત ચમકી રહ્યા છે, છતાંય લાજવાને બદલે ગાજતા અતુલ પંડિતનો ગાડી અને સત્તાનો મોહ વિદેશ પ્રવાસેથી પરત આવતાં જ હજુ રજા પર હોવા છતાંય સામે આવી ગયો છે.
અતુલ પંડિતની મનમાની અને લાગતા વળગતાઓને લ્હાણી કરવાની નીતિ સામે શિક્ષણ જગતમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે બળતું ઘર કૃષ્ણાર્પણ કરીને અતુલ પંડિત એક માસની રજા મૂકીને વિદેશમાં જલ્સા કરવા ઉપડી ગયા હતા. તેમની ગેરહાજરીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયાને સમિતિનો સત્તાવાર ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને સમિતિની સત્તાવાર ગાડી પણ સંગીતાબેન છાયાને સોંપવામાં આવી હતી.
તાજેતરમાં જ વિદેશ પ્રવાસેથી પરત આવતાં જ પ્રથમ કામ અતુલ પંડિતે ગાડી પરત મંગાવી લેવાનું કર્યુ! સત્તાવાર રીતે તા. 20 સુધી તેઓ રજા ઉપર હોવા છતાંય ગાડી પરત મંગાવવાની તેમની ઉતાવળ જ સત્તાની ભૂખ છતી કરનાર છે. ગાડી પરત આવતાં જ અતુલ પંડિત ઉપડી ગયા સામા કાંઠે આવેલા અટલબિહારી બાજપાય ઓડિટોરિયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સત્તાવાર હાજરી આપવા માટે!! વાસ્તવમાં તા. 20 સુધી તેઓ સત્તાવાર રજા ઉપર છે, હજુ ચાર્જ પણ સંભાળ્યો નથી છતાંય જે કાર્યક્રમમાં વાસ્તવમાં કાર્યકારી ચેરમેનને જવાનું હતું ત્યાં ચાર્જ સંભાળ્યા વગર પહોંચીને સ્ટેજ ઉપર ગોઠવાઈ જવાની અતુલ પંડિતની માનસિકતા જ ઘણી સૂચક છે.
- Advertisement -
કોઈપણ સમિતિના ચેરમેન લાંબી રજા ઉપર જાય ત્યારે બેંક વહિવટ માટે સાઈન ઓથોરિટી સહિતની કામગીરી માટે વિધિવત ચાર્જ રજાની તારીખ સાથેના સ્પષ્ટ ઉલ્લેખ સાથે સોંપવાનો હોય છે અને ચાર્જ પરત લેવાની પણ કાયદેસર કાર્યવાહી હોય છે. આમ છતાંય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણે ઘરની પેઢી હોય તેમ વહિવટ ચલાવતાં અતુલ પંડિતની વિદેશથી પરત આવતાં સાથે જ ગાડી મંગાવી લેવાની અને સ્ટેજ પર ગોઠવાય જવાની નીતિએ વધુ એક વખત તેમની ઘરની ધોરાજી જેવી નીતિ ઉઘાડી પાડી છે.
શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે વિદેશથી આવતા વેંત જ ગાડી મંગાવી કાર્યક્રમમાં હાજરી આપી તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…