રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ધોરણથી 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાનો પ્રારંભ થયો થયો છે. મહત્વનું છે કે, PM મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના કારણે આ પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાં આજથી શાળાકીય પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં આજથી ધોરણ 10થી 12ની પ્રિલીમ પરીક્ષા શરૂ થઈ છે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની દ્વિતિય પરીક્ષા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કૂલોમાં પહોંચી ગયા છે. પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓએ VTV ન્યૂઝને જણાવ્યું કે, ‘આજે કોમ્પ્યુટરનું પેપર હતું, અને પેપર સહેલું હતું. જેથી પેપર સારું ગયું છે. પેપરસ્ટાઇલ પ્રમાણે પ્રિપેરેશન કરી છે, જેના કારણે પેપર સારું ગયું છે.’ અમદાવાદની રાણીપમાં આવેલી નિશાન સ્કૂલના શિક્ષકે જણાવ્યું કે, ‘અમારી શાળામાં પરીક્ષા માટે વિધાર્થીઓને ઉત્સાહ હોય છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ક્યારેય પરીક્ષાથી ડર્યા નથી.’
- Advertisement -
27મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી પરીક્ષા
પહેલા આ પરીક્ષા 27મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના લીધે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના કારણે એક દિવસ પાછી ઠેલાઈ
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 જાન્યુઆરીથી 04 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી. જેમાં ધોરણ 9 અને 11ની દ્વિતિય પરીક્ષા અને ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા શરૂ થવાની હતી. જોકે, તમામ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાનું હોવાથી પરીક્ષા એક દિવસ પાછી ઠેલવવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને એક સાથે પરીક્ષા શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.