- યુવકોએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી
- મદદ માટેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- એજન્ટે યુવકોને બેલારુસ લઈ જઈને છોડી દીધા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા ફરવા ગયેલા સાત જેટલા ભારતીય યુવકોને રશિયન આર્મીમાં દગાથી ભરતી કરીને યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવવામાં આવ્યા છે. આ યુવકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે.
આ સાત યુવકો પંજાબના હોશિયારપુરના છે જેમણે વીડિયો દ્વારા ભારત સરકારને મદદની અપીલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓને દગાથી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા અને યુક્રેન સામે યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તમામ યુવકો નવા વર્ષની ઉજવણી માટે ટુરિસ્ટ વિઝા પર રશિયા ગયા હતા. સોશિયલ વીડિયોમાં વાઈરલ થયેલા વીડિયોમાં હૂડ અને કેપ સાથે રશિયન આર્મીના ડ્રેસમાં સજ્જ સાત યુવકો ખૂબ જ ડરી ગયેલા જોઈ શકાય છે. આ સાતેય યુવકોમાંથી એક ગગનદીપ સિંહ તેઓની સ્થિતિ વિશે વાત કરી રહ્યો છે અને સરકાર પાસે મદદ માંગી રહ્યો છે.
- Advertisement -
ગગનદીપના જણાવ્યાનુસાર, ‘2023ની 27મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે રશિયા ગયા હતા, તેમની પાસે રશિયા જવા માટે વિઝા પણ હતા, જેની માન્યતા 90 દિવસની હતી. અહીં અમને એક એજન્ટને મળ્યો હતો, જે અમને નજીકમાં ફરવા લઈ ગયો હતો. બાદમાં એજન્ટે અમને કહ્યું કે તે અમને બધાને બેલારુસ લઈ જશે. અમને ખબર ન હતી કે બેલારુસ માટે વિઝાની જરૂર પડે છે. એજન્ટ અમને વિઝા વગર જ બેલારુસ લઈ ગયો અને ત્યાં પહોંચીને પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. અગાઉ અમે પૈસા આપી ચૂક્યા હતા અને અમારી પાસે વધુ પૈસા ન હતા. આ પછી એજન્ટ અમને બેલારુસના હાઈવે પર છોડીને જતો રહ્યો હતો, જે બાદ પોલીસે અમને બધાને પકડીને રશિયન આર્મીને હવાલે કર્યા હતા. રશિયન આર્મીએ અમને ચાર-પાંચ દિવસ સુધી અજાણી જગ્યાએ ગોંધી રાખ્યા હતા, ત્યારબાદ હિન્દી ભાષી વ્યક્તિ સાથે ફોન પર વાત કરાવીને શરત મૂકી હતી કે કાં તો 10 વર્ષની જેલ થશે અથવા તેમની સાથે કરાર કરો, જેમાં અમને ડ્રઈવર તેમજ હેલ્પર તરીકે નોકરી મળશે.’