બુથ નં. 225માં બે ઈવીએમ બંધ પડી જતાં એક કલાક સુધી મતદાન ખોરવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
રાજકોટ લોકસભાની બેઠક માટે આજે સવારથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હીટ વેવની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારના સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોકપોલ અને વોટીંગ દરમિયાન રાજકોટ શહેરમાં 25 જેટલા ઈવીએમ, વીવીપેટ અને કંટ્રોલ યુનિટ બગડ્યા હતાં. જેના કારણે થોડો સમય મતદાન ખોરવાયું હતું પરંતુ તાત્કાલીક ઈવીએમ, વીવીપેટ બદલી નાખવામાં આવ્યા હતાં.
રાજકોટ શહેરમાં આજે સવારથી શરૂ થયેલા મતદાનના પ્રારંભમાં રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં ચૂંટણી એજન્ટની સાથે કાર્યકરોએ પણ મતદાન મથકમાં પ્રવેશ કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને પક્ષના કાર્યકરોને મતદાન મથક પરથી બહાર કાઢવાની ફરજ પડી હતી. જ્યારે રેલનગર વિસ્તારમાં મતદાન મથક પાસે આવેલ પ્રતિબંધીત 100 મીટર એરિયામાં જ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરતા બેનરો લગાવ્યા હતાં જેના કારણે સ્થાનિક લોકોએ વિરોધ કરતા તાત્કાલીક વહીવટી તંત્ર દોડી ગયું હતું અને ભાજપના કાર્યકરોને 200 મીટર દૂર ખસેડવા આદેશ કર્યો હતોં.
સૌરાષ્ટ્રના ભાવનગરના મિલેટ્રી સોસાયટીમાં આવેલ સરકારી શાળામાં બુથ નબર 225માં બે ઈવીએમ બંધ પડી જતાં એક કલાક સુધી મતદાન ખોરવાયું હતું આ વિસ્તાર ક્ષત્રિય સમાજનો ગઢ હોય જેના કારણે ભારે દેકારો બોલી ગયો હતો. ઈવીએમ બગડતા તાત્કાલીક ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવી હતી. મોરબી ક્ધયા છાત્રાલયમાં ઈવીએમ બગડતા મતદાન ખોરવાયાના અહેવાલો મળી રહ્યા છે જ્યારે રાજકોટના વોર્ડ નં. 17માં આવેલ સ્કૂલ નં. 62માં પણ 15 મીનીટ માટે ઈવીએમ બંધ પડી ગયું હતું જો કે, પાછળથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી.