ગુજરાતના આર્યન નેહરાએ ઉત્તરાખંડમાં 38મી નેશનલ ગેમ્સમાં સાત મેડલ જીતીને ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્યન નેહરા રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના દીકરા છે.
હાલમાં ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં સાતમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આર્યન નેહરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ચાર મિનિટ અને 2.60 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 મેડલ જીત્યા છે. જેમાં ગુજરાતે 10માંથી 7 મેડલ સ્વિમિંગમાં જ જીત્યા છે.
- Advertisement -
અગાઉ ગયા વર્ષે માર્ચમાં આર્યન નેહરાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. સ્વિમર આર્યન નેહરા માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. વર્ષ 2023માં આર્યન નેહરાએ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
જુલાઈ 2023માં આર્યન નેહરાએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્યને એ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માટે 8:01.81 સેકન્ડનો સમય લીધો હતો. એ વર્ષે એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં આર્યને 8:03.15નું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.
IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે આર્યન
- Advertisement -
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન નેહરા રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના દીકરા છે. આર્યનની સાથે તેનો નાનો ભાઈ પણ સ્વિમર છે. વિજય નેહરા 2001 બેચના IAS અધિકારી છે. હાલમાં વિજય નેહરા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની જવાબદારી પણ છે. તેઓ અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને ગ્રામ્ય વિકાસ કમિશનર રહી ચુક્યા છે.
મૂળ રાજસ્થાનના સીકરના વિજય નેહરા રસાયણશાસ્ત્રમાં એમએસસી છે અને તેમણે આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમદાવાદ જિલ્લાના કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે. વડોદરા કલેક્ટર તરીકે તેમને નરેન્દ્ર મોદીના હસ્તે સર્વ શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર પણ મળ્યો હતો.