અરવલ્લી જિલ્લામાં તારીખ ૦૧ માર્ચ ૨૦૨૧ ના રોજ થી કોવિડ-૧૯ વેકસીન આપવા ત્રીજા તબક્કાની કામગીરી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામા આવશે. જેમાં ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા તથા ૬૦ વર્ષ ઉપરના તમામ વ્યક્તિઓને કોવીડ-૧૯ રસીકરણથી આવરી લેવામાં આવશે.
અરવલ્લી જિલ્લા માં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહીક આરોગ્ય કેન્દ્રો,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભીલોડા અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- મોડાસા ખાતે વિના મૂલ્યે રસીકરણ કરવામાં આવશે.તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં ૧૫૦/- રૂ રસીકરણ ચાર્જ અને ૧૦૦/-રૂ વહીવટી ચાર્જ એમ કુલ ૨૫૦/-રૂ પ્રતિ ડોઝ લાભાર્થીએ જે-તે હોસ્પિટલને ચુકવવાના રહેશે.
- Advertisement -
કોવીડ-૧૯ રસી લેનાર દરેક વ્યક્તિઓએ રસીકરણ દરમ્યાન પોતાનું ઓળખકાર્ડ પાસે રાખવું જરૂરી છે. ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું બીમારી અંગેનું પ્રમાણપત્ર રાખવું જરૂરી છે.
રસીકરણ માટે ઓનલાઈન કોવીન ૨.૦ તેમજ આરોગ્ય સેતુ એપ ધ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે.રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય તો રસીકરણ સ્થળપર તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુમાં સબંધિત વયજૂથના જીલ્લાના તમામ વ્યક્તિઓ કોવિડ-૧૯ રસીકરણ વહેલામાં વહેલું કરાવી કોવિડ-૧૯ ની ગંભીર બીમારીથી રક્ષિત થાય તેવી જીલ્લા આરોગ્ય તંત્રની અપીલ છે.
જગદીશ સોલંકી (અરવલ્લી)


