નાગાની પૂંઠે બાવળિયો ઉગે તો એને કંઈ અફસોસ ન હોય, એ તો એમ જ કહે: હશે, છાંયડો થયો! અરવિંદ કેજરીવાલના કુલ્લે હજારો બાવળિયા ઉગ્યા છે. ને તો ય તેઓ ચમનિયાં કરે છે. એમનો જીવનમંત્ર છે: ડુ ચમન. ગામનાં ગરિયા ને મોજે દરિયા. કેજરીવાલના કરમમાં શ્ર્વાસોચ્છવાસ કરતાં પણ બમણાં વિવાદો લખ્યા છે. તાજો વિવાદ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે તેમનાં ડખ્ખાનો છે.
આમ આદમી પાર્ટીમાં એકએકથી ચડિયાતી ફાટેલ નોટો છે. કેજરીવાલ ગુરુ ઘંટાલ છે તો તેમનાં સાગરીતો પણ ગુરુના ય ગુરુ ઘંટાલ છે. કેજરીવાલ સોળેય સરાવીને બેઠાં છે તો સ્વાતિબહેને પણ ઘાટઘાટનાં પાણી પીધાં છે. બેમાંથી કોઈનો પક્ષ લેવા જેવું નથી. કાલે સવારે આપણે જ નીચાજોણું થાય.
- Advertisement -
સ્વાતિ-કેજરીવાલ વચ્ચે પાર્ટીનાં પૈસાનો અને રાજ્યસભાની સીટનો અને અભિષેક મનુ સિંધવીનો મામલો ઝઘડાનું કારણ બન્યાની ચર્ચા ચાલી રહી છે. હશે. અહીં આ ટચૂકડાં લેખમાં ચર્ચાનો વિષય એ નથી. મુદ્દો એ છે કે, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને તેમનાં મળતિયાંઓ હજુ કેટલાં નીચેનાં સ્તરે જવા માગે છે? હવે તો ઓલમોસ્ટ સાતમું પાતાળ આવી ગયું. વધુ ઊંડા જશે તો પૃથ્વીનાં ગોળાની પેલી તરફથી બહાર નીકળશે.
કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે જે-જે વચન-વાયદા આપ્યા હતાં- તેનાંથી તદ્દન સામા છેડાંની હરકતો તેઓ કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારનો વિરોધ જે પક્ષનો પાયો હતો એ જ પાર્ટી સરેઆમ શરાબ કૌભાંડ કરે ત્યારે લોકોને આઘાત લાગવો સ્વાભાવિક ગણાય. માની લો કે, કાલે સવારે નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં 370 ફરી અમલમાં મૂકે અને ત્રણ તલ્લાકની ફરી છૂટ આપે તો? કેજરીવાલ એન્ડ પાર્ટીને જ્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ જુએ ત્યારે લોકોને પણ એવું જ લાગે.
લિકર પોલિસીમાં કેજરીવાલે રૂપિયા કટકટાવ્યા છે એ બાબત સ્પષ્ટ છે. જો સૂર્ય પૂર્વમાંથી ઉગતો હોય અને પૂનમના દિવસે ચંદ્ર સોળેય કળાએ ખીલતો હોય, જો સમુદ્રનું પાણી ખારું હોય, એ બધું સત્ય છે તો અનેક સ્કેમમાં કેજરીવાલ એન્ડ પાર્ટીનું માથાબૂડ હોવાનું પણ સત્ય છે.
- Advertisement -
અરવિંંદ કેજરીવાલને જેલમાં ધકેલાયા પછી વધુ એક કૌતુક સર્જાયું. જે કેજરીવાલ નેપોટિઝમ-વંશવાદ, સગા-સંબંધીવાદ વિરુદ્ધ ચોવીસ કલાકમાંથી અડતાલીસ કલાક વક્તવ્ય આપતાં હતાં- એ જ કેજરીવાલે પોતાનાં પત્ની સુનીતા કેજરીવાલને પોતાનાં અનુગામી તરીકે આગળ ધર્યાં. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તેઓ કદાચ રાજીનામું આપવા મજબુર થશે તો તેમનાં અનુગામી સુનીતા હશે. આજકાલ રોડ-શૉમાં પણ તેમની સાથે તેમનાં પત્ની હોય છે અને તેઓ સુનીતાની રીતસર સ્તુતિ ગાઈ રહ્યાં છે.
ભ્રષ્ટાચારનાં વિરોધથી આરંભ થયેલી આ યાત્રા ક્યાં પહોંચી! ક્યાંય નહીં. કેજરીવાલનું ગંતવ્ય સ્થાન આવી પહોંચ્યું છે, ભ્રષ્ટાચાર જંકશન. આ જગત સાચે જ એક ફજેત ફાળકો છે. જ્યાંથી તમે ચડો- ત્યાં જ તમારે ઉતરવાનું હોય છે.