અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારા સહિતનાને CR પાટીલે નોટિસ ફટકારી
વ્હિપના અનાદર સહિતના મુદ્દે 8 સભ્યોને 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ: પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરનારાઓ સામે પાટીલની લાલ આંખ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે આગામી દિવસોમાં આકરા પગલાં તોળાઇ રહ્યાનો નિર્દેશ રાજકીય આગેવાનોએ આપ્યો હતો. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ સહિતના મુખ્ય હોદ્દા કબજે કરવા માટે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા સહિતનાઓએ જૂથ બનાવી પાર્ટી પર દબાણ કર્યું હતું. સામે તત્કાલીન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ટેકેદારો પોતાના કાર્યકાળની સફળતાના મેરિટ પર રિપીટ થિયરીની આશ લગાવીને બેઠા હતા. તા.2 મેના ચૂંટણી યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતનાઓ હાજર હતા અને પ્રમુખ ઢોલરિયાએ પાર્ટીનું મેન્ડેટ જાહેર કરી સંઘના પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું હતું.
આ બેઠકમાં અન્ય બે મુદ્દાઓ પણ સામેલ કરાયા હતા જેમાં અઢી વર્ષ પૂર્વે 3 ડિરેક્ટર ભાનુ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કામાણીને કાઢી મૂકવા તેવી કેટલાક હોદ્દેદારોએ માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી જોકે સર્ક્યુલર ઠરાવ કરી આ ત્રણેયને યથાવત રાખવા અને રા.લો. સંઘના ઉપપ્રમુખ અરજણ રૈયાણીએ રાજીનામું આપ્યું છે તે ન સ્વીકારવું પરંતુ અરવિંદ રૈયાણી, બાબુ નસીત અને નીતિન ઢાંકેચા સહિતનાઓએ પાર્ટીના વ્હિપનો અનાદર કરી અગાઉના ડિરેક્ટર અને ઉપપ્રમુખ અરજણ રૈયાણીના રાજીનામું નહીં સ્વીકારવા મામલે પાર્ટિ વિરુદ્ધ પોતાનો મત આપ્યો હતો.
આ મામલે તત્કાલીન સમયે હોબાળો મચતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સહકારી ક્ષેત્રમાં પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી બદલ બાબુ નસીતને રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા અને પૂર્વ મંત્રી રૈયાણી તથા ઢાંકેચા સહિતનાઓ સામે પ્રદેશ ભાજપમાં વિસ્તૃત રિપોર્ટ કર્યો હતો. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતનાઓએ કરેલી પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિના ઘેરા પડઘા પડ્યા હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બે દિવસ પૂર્વે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત, મનસુખ સરધારા, ભીમજી કલોલા, કાનજી ખાપરા, નરેન્દ્ર ભુવા અને અરજણ રૈયાણીને કારણદર્શક નોટિસ ફટકારી છે.
- Advertisement -
પ્રદેશ પ્રમુખ પાટીલે નોટિસમાં જણાવ્યું હતું કે, અન્ય ડિરેક્ટર સાથે મળી ગુજરાત સરકારની વિરુદ્ધમાં હાઇકોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવા, પક્ષ દ્વારા સંઘ માટે આપવામાં આવેલ વ્હિપનો અનાદર કરવો અને જિલ્લા પ્રમુખે આપેલી સૂચનાનું પાલન કર્યું નથી. આ વ્યવહાર ભાજપના શિસ્ત વિરુદ્ધ છે, સાત દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી હતી અને ખુલાસો કરવામાં નહીં આવે અથવા તો ખુલાસો યોગ્ય નહીં લાગેતો પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટિકિટ કપાયા બાદ તેણે જિલ્લા અને સહકારી રાજકારણમાં પગદંડો જમાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ વિધાનસભાની ચૂંટણી વખતે પણ પાર્ટી વિરુદ્ધ કામગીરી અંગેનો પક્ષમાં જ ગણગણાટ શરૂ થયો હતો. રા.લો. સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ મેળવવામાં તો પછડાટ મળી હતી પરંતુ હવે પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી બદલ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે નોટિસ ફટકારતા આગામી દિવસોમાં રૈયાણી સહિતનાઓ સામે આકરાં પગલાં તોળાઇ રહ્યાના સંકેતો મળ્યા હતા.