કલાકારો ગેલેરીમાં પોતાની કૃતિઓ વેચવાના ઉદ્દેશ્યથી નહી, કલા જાગૃતિ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે પ્રદર્શન કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં નવનિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે નક્કી કરવામાં આવેલું તોતિંગ ભાડું અને મેન્ટેનન્સ ખર્ચ મંજૂર કરાયું છે. કલાકાર સમુદાય માટે આ નિર્ણય અસહ્ય અને અત્યંત અન્યાયી ગણાઈ રહ્યો છે. રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ ક્યાડાએ નિર્ણયનો ઘોર વિરોધ કર્યો છે. અગાઉની વ્યવસ્થાના અંતર્ગત કલાકારો પાસેથી માત્ર રૂ. 1000 ડિપોઝિટ લેવામાં આવતા હતા, જેમાંથી વિજળી અને મેન્ટેનન્સ માત્ર રૂ. 400 કપાઈ, બાકી રકમ પરત આપવામાં આવતી હતી. આ વ્યવસ્થા સરળ, સુલભ અને લોકહિતમાં હતી. પરંતુ હાલના નવા ઠરાવ મુજબ ભાડું અને મેન્ટેનન્સમાં લગભગ 100 ગણો વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય કલાકાર માટે આપત્તિજક છે. રાજકોટના કલાકારો આ ગેલેરીમાં પોતાની કૃતિઓ વેચવાના ઉદ્દેશ્યથી નહી, પરંતુ સમાજસેવાના ભાવથી કલા જાગૃતિ, શિક્ષણ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે નિ:શુલ્ક માર્ગદર્શન અને પ્રદર્શનનું આયોજન કરે છે. આ એક માત્ર આવકના સાધન વગર, કલા માટે જીવતા કલાકાર માટે ગંભીર આર્થિક બોજરૂપ બનશે. આવી ગેલેરીમાં કોઈ પણ વ્યાપારિક આશા વગર પોતાનું કૌશલ્ય, સમય અને નાણાં ખર્ચી એક સ્તરીય પ્રદર્શન કરનારા કલાકારોથી આવા નાણાકીય અડચણો ઉભી કરવામાં આવે એ લાજવાબ છે. જયારે એક શહેર સંસ્કાર નગરી તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે આમ નફાકારક માળખું માત્ર કલાકાર નહીં, પરંતુ રાજકોટની જનતા અને નગરની સંસ્કૃતિ માટે પણ ઘાતક સાબિત થશે. હું રાજકોટના તમામ સંસ્કૃતિપ્રેમી અને જવાબદાર નાગરિકોને અપીલ કરું છું કે આ નિર્ણય સામે અવાજ ઉઠાવે અને કલાકારો સાથે એકઝૂટ રહી આ અયોગ્ય ઠરાવને વાપસ લેવડાવામાં મદદરૂપ બને.
- Advertisement -
કલાકાર બનવું-રહેવું હોય તો રાજકોટ-સૌરાષ્ટ્ર બહાર ચાલ્યા જવું!
ગ્રીક ચિંતક પ્લેટોએ કલાને અનુકરણાત્મક, અસત્ય, અનૈતિક અને નુકસાનકર્તા કહી કલાકારોને આદર્શ નગરરાજ્યની બહાર રાખ્યા હતા. હવે ફિલસૂફ પ્લેટોના પગલે રાજકોટના કલાકારો પ્રત્યે આદરનો અભાવ ધરાવતા ફેંકોલોજીસ્ટ જનપ્રતિનિધિઓ ચાલતા જણાય છે. પ્લેટોની જેમ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ નથી ઈચ્છતા કે, રાજકોટનો કોઈ કલાકાર પોતાની કલાને આ નગરમાં રહી આર્ટ ગેલેરીમાં પ્રસ્તુત કરી શકે. આ કારણોસર જો કલાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સૌરાષ્ટ્ર બહાર જ જતું રહેવું પડે એ ફરી એકવાર પુરવાર થયું. રાજકોટમાં એકમાત્ર કલા સસ્તી બની ગઈ છે, બાકી બધું મોંઘું! રાજકોટના રેસકોર્સમાં કાર્યરત જૂની આર્ટ ગેલેરીના સ્થાને 5.90 કરોડના ખર્ચે રિનોવેટ થઈ તૈયાર થયેલી ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું ગત મહિને મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલું, આ આર્ટ ગેલેરીમાં ત્રણ હોલ આવેલા છે અને દરેકનું ભાડું અલગ-અલગ નક્કી કરવામાં આવ્યું છે. આજ સુધી જે આર્ટ ગેલેરી 1500 રૂ. આસપાસના નજીવા દરે કલાકારો માટે ઉપલબ્ધ હતી તે આર્ટ ગેલેરીનું નવું ભાડું 14000થી 37000 રૂ. આસપાસથી ચૂકવવાનું રહેશે! અને આ આર્ટ ગેલેરી સિવાય રાજકોટ-સૌરાષ્ટ્રના કલાકારો નજીવા દરમાં પોતાની કલા પ્રસ્તુત કરી શકે એવી આર્ટ ગેલેરી ક્યાં, કેવી અને કેટલી છે એ સૌને ખ્યાલ છે. એક સમય હતો જ્યારે કલાકારોને રાજસભામાં સ્થાન મળતું, સમાજમાં કલાકારો આદરણીય અને સન્માનીય હતા. કોઈ કલાકાર ઉગતો, નવો કે મોટો ન હતો. કલાકાર એ કલાકાર હતો અને તેની પાસે પોતાની કલા સિવાય કશું ન હતું. એક આજનો સમય છે.. કલાની પ્રસ્તુતી માટે પૈસા પ્રાથમિકતા બની ગયા છે. કોણ જાણે કેમ હમણાંહમણાંથી લાગે છે રાજકોટના રસ્તાઓ જ નહીં આખેઆખું તંત્ર પણ ખાડે ગયું છે. જો આવુંને આવું રહ્યું તો મને લાગે છે, સ્થાનિક ચૂંટણીઓમાં સત્તાપક્ષનો સૂર્યાસ્ત નજીક છે. કેમ કે, જે શાસકોએ કલાની કદર કરી કલાકારોને પ્રોત્સાહન આપ્યું નથી તેમનું પતન આપોઆપ થઈ ગયું છે.
આર્ટ ગેલેરીનું નવું ભાડું
ગેલેરી ‘અ’માં ટિકિટ વગરનું કલા પ્રદર્શન હોય તો 15000 અને ટિકિટવાળું પ્રદર્શન હોય તો 20000 ભાડું, ગેલેરી ‘ઇ’માં ટિકિટ વગરના પ્રદર્શન માટેનું ભાડું 10000, ટિકિટવાળા પ્રદર્શનનું ભાડું 15000 અને ગેલેરી ‘ઈ’નું ભાડું પાંચ હજારથી લઈ દસ હજાર આ સિવાય તમામ ગેલેરીમાં 2000 મેઈન્ટેનન્સ ચાર્જ, 1500 સફાઈ ચાર્જ, 1500 સિક્યુરિટી ગાર્ડ ચાર્જ અને 2000 એડમીન ચાર્જ પણ નક્કી કરાયો છે. શુક્રવારથી રવિવાર દરમિયાન કલા પ્રદર્શન હોય તો ગેલેરી ‘અ’નું ટિકિટ વગરનું પ્રદર્શન હોય તો ભાડું 20,000+20,000 ડિપોઝિટ, ટિકિટવાળું પ્રદર્શન હોય તો 30,000+30,000 ડિપોઝિટ, ગેલેરી ‘ઇ’નું 15,000 ભાડું+15,000 ડિપોઝિટ, ટિકિટવાળું પ્રદર્શન હોય તો 20,000 ભાડું+20,000 ડિપોઝિટ, ગેલેરી ‘ઈ’નું 7000+7000 ડિપોઝિટ તેમજ ટિકિટવાળું પ્રદર્શન હોય તો 12,000 ભાડું+12,000 ડિપોઝિટ સુચવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ચાર્જિસ પણ અલગ ચૂકવવાના રહેશે. પ્રતિદિન મેન્ટેનન્સ રૂ. 2 હજાર, સફાઈ ચાર્જ રૂ. 1500, સિક્યુરિટી ચાર્જ રૂ. 1500, એડમિન ચાર્જ રૂ. 2 હજાર રહેશે.



