રાજકોટની બજારો મધમીઠી શેરડીથી છલકાઈ, શેરડીના રૂા. 160થી 200ની કિલો અને જીંજરાના ભાવ રૂા. 150થી 200ના કિલોના ભાવે વેચાણ
રાજકોટમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પહેલાં બજારોમાં શેરડી-જીંજરા, બોર, ચીકીનું આગમન થઈ જાય છે. માગસર મહિનાની વિદાય અને પોષ મહિનાના પ્રારંભ સાથે મધમીઠી શેરડીથી રાજકોટની બજારો ચારેબાજુ છલકાઈ રહી છે. ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે રાજકોટમાં શેરડીનું ધૂમ વેચાણ થયું છે. મહારાષ્ટ્રની કાળી શેરડી અંદાજે રૂા. 200ની 10 કિલો અને સફેદ શેરડી રૂા. 160થી 170ની 10 કિલો તેમજ સૌ કોઈના પ્રિય અને હેલ્ધી એવા જીંજરા રૂા. 150થી 200ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શિયાળાની જમાવટ થાય એટલે ચિક્કી બજાર ધમધમતું થઈ જાય છે. હંમેશાની જેમ આ વખતે પણ રાજકોટના બજારમાં અવનવી ચિક્કી આવી ગઈ છે. રાજકોટમાં તમને કોઈ એક, બે પ્રકારની નહીં પણ જાતજાતની અને ભાતભાતની ચિક્કીની વેરાયટીઓ જોવા મળે. આમ દર વર્ષે મકરસંક્રાંતિ પર્વમાં પતંગોત્સવ સાથે જીંજરા, ચીકી, ઉંધીયા સાથે શેરડી રાજકોટીયન્સ મન મૂકીને આરોગે છે. મકરસંક્રાતિ પર્વ નજીક આવતાંની સાથે જ શહેરના વિવિધ સ્થળોએ છુટક અને જથ્થાબંધ શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.