રાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર બોલાવી ધોંસ: ચુનારાવાડમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો : બેની ધરપકડ, બેની શોધખોળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દેશી અને વિદેશી દારૂનું દૂષણ સદંતર ડામી દેવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચએ જાણે બીડું ઉઠાવ્યું હોય તેમ રીતસરની ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભાવનગર રોડ ઉપરથી 33,600નો દારૂ ભરેલી કાર સાથે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી 3,83,600નો મુદામાલ કબજે કરી એક શખસની શોધખોળ હાથ ધરી છે જ્યારે ચુનારાવાડમાં નદીકાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી લઈ બુટલેગરને દબોચી લીધો છે જ્યારે મહિલાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ દ્વારા દેશી વિદેશી દારૂનું દૂષણ ડામવા કડક વલણ અપનાવવામાં આવ્યું હોય તેમ ગઈકાલે મહિપાલસિહ ઝાલા અને કનકસિહ સોલંકીને મળેલી બાતમી આધારે ભાવનગર ઢાંઢણી ગામથી રાજકોટ તરફ જતા રસ્તા ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેમાંથી 33,600 રૂપિયાનો 84 બોટલ દારૂ મળી આવતા મયુરનગરના સુરેશ મગનભાઇ કોબીયાની ધરપકડ કરી દારૂ, કાર સહિત 3,83,600નો મુદામાલ કબજે કરી સાલકડા ગામના અનિલ ગણદિયાની શોધખોળ હાથ ધરી છે સુરેશ અગાઉ થોરાળા, કુવાડવા અને બી ડિવિઝનમાં છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
જ્યારે પીએસઆઈ એમ જે હૂણ અને ટીમે બાતમી આધારે આજી નદી કાંઠે ચુનારાવાડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી કુબલિયાપરાના સુનિલ જીતેશ ધાંધલપરિયાની ધરપકડ કરી મનીષા વિનોદભાઇ સોલંકીની શોધખોળ હાથ ધરી છે પોલીસે 17,660નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુનિલ અગાઉ એક ગુનામાં પકડાઈ ચૂક્યો છે.