ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આતંકી બાંગ્લાદેશમાંથી પકડાયો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આંતકી ઈકરામુલ હક ઉર્ફ અબૂ તલહા અને તેની પત્ની ફારિયા આફરીનની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
બાંગ્લાદેશી અખબારના અહેવાલ અનુસાર ઢાકાના સબુજ બાગ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઢાકાના કાઉન્ટર ટેરરિઝમ સ્કવોડના અધિકારીઓને બાતમી મળી હતી કે, ભારતીય ઉપખંડમાં આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલ કાયદાનો એક ટોચનો આતંકી અબુ તલહા ભારતના દેવબંધમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ આતંકવાદ તરફ વળી ગયો હતો. એ પછી તેની 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
જોકે ધરપકડની જાણકારી હવે સામે આવી છે.અબુ અને તેની પત્ની હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે. ભારતીય પોલીસ ગયા વર્ષથી તેની શોધખોળ કરી રહી છે. એ પછી ભારતીય એજન્સીઓને અબુ તલહા બાંગ્લાદેશ ભાગી ગયો હોવાની જાણકારી મળી હતી. અબુની ધરપકડ થઈ તે પહેલા પણ બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓએ તેને અટકાયતમાં લીધો હતો અને બાદમાં છોડી મુક્યો હતો.
અધિકારીઓના કહેવા અનુસાર અબુની પત્ની ફારીયા પણ આતંકી સમૂહની મહિલા વિંગની સભ્ય છે.અબુએ પોતાની પત્નીના નામનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકતા હાંસલ કરી હતી. તેના નામનો ભારતીય પાસપોર્ટ પણ છે. ભારતમાં તેની સામે 10 જેટલા કેસ થયેલા છે.