જોકે મુખ્યપ્રધાને નુક્કડ નાટક ગુનો નથી એમ કહી બંનેની મુક્તિનો આદેશ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડાની ડોક્યુમેન્ટરી મેકર લીના મણિમેકલાઈએ પોતાની ફિલ્મના પોસ્ટરમાં કાલી માતાને સિગરેટ પીતાં દર્શાવતાં ભારે વિરોધ થયો છે અને તેની સામે પોલીસ કેસ પણ થયો છે. તે પછી આસામમાં એક અભિનેતા અને અભિનેત્રીએ શિવ-પાર્વતીના વેશમાં મોંઘવારી વિરોધી નાટક કરતાં તેમની સામે ફરિયાદને પગલે અટકાયત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમનો જામીન પર છૂટકારો થયો હતો.
- Advertisement -
આસામના નાગાંવમાં સ્થાનિક કલાકાર યુગલે શિવ અને પાર્વતીનો વેશ ધારણ કર્યો હતો. તેમના નુક્કડ નાટકની સ્ક્રિપ્ટ એવી હતી કે બંને બાઈક પર નીકળ્યાં છે એ સમયે બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ જાય છે. આથી પાર્વતીના વેશમાં રહેલી કલાકાર આ મુદ્દે ઉકળાટ ઠાલવે છે. બીજી તરફ શિવ બનેલો કલાકાર પણ તેને સામે કોઈ જવાબ આપે છે. પેટ્રોલના ભાવવધારા માટે આ ચણભણ શરુ થાય છે અને પછી તેમાં બીજી બધી વસ્તુઓની મોંઘવારી સહિતના મુદ્દા આવરી લેવામાં આવે છે.