મહાશિવરાત્રિ મેળા સંદર્ભે સાધુ સંતો અને અધિકારીઓની બેઠક યોજાઇ
પોલીસ તંત્રના 2500 અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે ફરજ નિભાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.22 ફેબ્રુ.થી વિધિવત રીતે પ્રારંભ થશે. અને 26 ફેબ્રુ. મહાશિવરાત્રીની મધ્ય રાત્રે મેળો સંપન્ન થશે.ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે , વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના અધ્યક્ષ સ્થાને મુખ્ય મીટીંગ યોજાઇ હતી.મેળાના આયોજન અને કામગીરી સાથે જોડાયેલા શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરી ખાતે શિવરાત્રીના મેળાના કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કલેકટરે જણાવ્યું કે શિવરાત્રીના મેળામાં સાધુ સંતો, ભક્તો, સ્વયંસેવકો કોઈને અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. બહારથી આવતા યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ, આરોગ્ય,ટ્રાફિક સમસ્યા તેમજ ઉતારા મંડળોના મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને શિવરાત્રીનો મેળામાં લોકોને કોઈ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં કલેકટરે જણાવ્યું કે શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત યોજાય તે માટે મોબાઈલ વાન દ્વારા ચેકીંગ કરવામાં આવશે. તેમજ લોકોના આરોગ્ય જોખમાય નહીં તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવશે અને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. કલેકટરશ્રીએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો પણ સાંભળ્યા હતા. હકારાત્મક સંવાદ થકી મેળામાં ભાવિકોની સુવિધા ને પ્રાધાન્ય મળે તે માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂર જણાયે મિટિંગ બોલાવીને તેમનું યોગ્ય નિરાકરણ કરવા પણ સૂચના આપી હતી. મેળામાં નિયમો અનુસાર ઉપલબ્ધ જગ્યાઓ, ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને સૌના સહયોગથી સહિયારા પ્રયાસોથી સૌએ સાથે મળીને આ મેળાની ઉજવણી કરાશે. ભવનાથ ખાતે રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ પ્રતિબંધીત પ્લાસ્ટીક નિયંત્રણ માટે 1 ટીમ મારફત સતત સુપર વિઝન કરવામાં આવશે.જાહેર પે એન્ડ યુઝ તથા મોબાઈલ ટોઈલેટ વ્યવસ્થા 7- જાહેર શૌચાલય – યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક), 2-પે એન્ડ યુઝ શૌચાલય અને યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક),ભવનાથમાં વાડી, ધાર્મિક જગ્યા, ઉતારાઓ, હોટલો વગેરેમાં 2300 જટેલા શૌચાલય યુરીનલ કાર્યરત, 6 મોબાઇલ ટોઇલેટ જરૂરીયાત મુજબના સ્થાનો પર મુકવામાં આવ્યા છે. મેડીકલ સવિધા તથા એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં ભવનાથ તળેટી વિસ્તારના અલગ અલગ જગ્યા પર 108 એમ્બ્યુલન્સ ખડેપગે રાખવામાં આવશે તેની સાથે મેળા દરમ્યાન આવક્યતા ઉપસ્થીત થયે ત્વરીત ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં ફાયર બ્રીગેડ બચાવ તરવૈયા ટુકડી પુરતા સાધનો સાથે ઉપલબ્ધ રખાવવા આવશે.
સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત માટે લોકસાહિત્યકાર રાજભા ગઢવીની અપીલ
જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ભાવિકોને મહાશિવરાત્રી મેળામાં સ્વછતા રાખવા અપીલ કરી હતી. તેઓએ જિલ્લા તંત્રના પ્રયાસોને સહકાર આપવા અને ગિરનારને શુદ્ધ રાખવા પણ અનુરોધ કર્યો હતો.આ વર્ષના મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સ્વછતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે ને લઈને રાજભા ગઢવીએ મેળામાં આવતા ભાવીભક્તોને મેળામાં સ્વછતા રાખવા, અભિયાનમાં સહકાર આપવા અપીલ કરતાં જણાવ્યું હતું મહાશિવરાત્રિનો મેળો એટલે પ્રકૃતિનો મેળો, ભક્તિનો મેળો, ભજનનો મેળો છે. જેમાં ગરવા ગિરનારની ગોદમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં આવતા ભક્તો સ્વછતા રાખે અને પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રીનો મેળો બને તે માટે ભક્તજનોને વહીવટી તંત્રને સહયોગ આપે તે માટે અનુરોધ કર્યો હતો.