અર્નબે સુશાંત કેસમાં રિયાને જે રીતે ટ્રિટ કરી એની ટીકા થઈ હતી ત્યારે હવે જો આ ચેટકાંડમાં આપણે અર્નબે પણ એ રીતે ટ્રિટ કરીએ તો આપણને અર્બન જ્યારે એવું કરે ત્યારે એની ટીકા કરવાનો અધિકાર રહેતો નથી
જો તમે એમ કહેતા હોવ કે અર્નબને એર સ્ટ્રાઈક અને 370ની અગાઉથી ખબર હતી તો એ અર્નબની ટીકા નહીં, પણ ટેકનિકલી એની તારીફ છે
દેશભરમાં સનસનાટી મચાવી રહેલી અર્નબ ગોસ્વામી અને બાર્કના પૂર્વ સી.ઈ.ઓ. પાર્થો દાસગુપ્તા વચ્ચેની કથિત વોટ્સએપ ચેટને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ સંબંધિત પાર્ટીએ નકારી કાઢી નથી કે નથી એ ખોટી હોવાનો દાવો કર્યો. પાંચસો પાનાની એ ચેટના એક એક મુદ્દા ઉપાડીને એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. કારણ કે – શરાફત કે જબ કપડે ઉતરતે હૈ તો સબ સે જ્યાદા મઝા શરીફો કો હી આતા હૈ. આવું થવું સ્વાભાવિક છે. ગલી-મહોલ્લાના આગેવાનોની અંગત ચેટ ઉઘાડી થાય ત્યારે પણ આવી ચોવટ થાય જ ત્યારે આ તો દેશના સૌથી ચર્ચિત પત્રકારની ચેટ હતી. એ પણ બાર્કના પૂર્વ સી.ઈ.ઓ. સાથેની. એક એવી ચેટ જેમાં પી.એમ.ઓ.થી માંડીને અનેક મંત્રી-સંત્રી અને તંત્રીઓનો ઉલ્લેખ છે. હોબાળો એઝ એક્સપેક્ટેડ છે. ચેટમાં ઘણી બધી વાતો એવી છે જે ઓપનસિક્રેટ છે. ચોંકાવનારી બિલકુલ નથી. કેટલીક બાબતો એવી છે જે વાંચીને જરૂર લોકોના ભવાં ઉચકાય કે આ શું ચાલી રહ્યું છે? બાકી વર્ષોથી દેશના સાંપ્રત પ્રવાહો પર નજર રાખનારાઓ, પાવર લોબીઈંગને સમજનારાઓ અને પત્રકારત્વને સમજનારાઓને નવાઈ લાગે એવું ચેટમાં કંઈ છે જ નહીં. અહીં કહેવાનો મતલબ એમ નથી કે અર્નબ કે પાર્થો દાસગુપ્તા કોઈ બાબતે દોષિત નથી, કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે આ કંઈ નવી નવાઈનું નથી. સૌથી પહેલા ટી.આર.પી. કૌભાંડની વાત કરીએ. એ સર્વવિદિત છે કે નાની હોય કે મોટી, નેશનલ હોય કે રિજનલ, અપવાદો બાદ કરતાં આપણી ન્યૂઝ ચેનલ્સ લગભગ બધું જ ટી.આર.પી. માટે કરે છે. એમની ટી.આર.પી.માં ’ગોસમોટાળા’ હોવાની કાયદેસર તપાસ તો હવે થઈ રહી છે, પણ ટી.આર.પી.ની વિશ્વસનિયતા પર સવાલો સમયાંતરે ઉઠતાં જ રહ્યાં છે. તમામ ચેનલ્સના નંબર વનના દાવા સ્વીકારવા માટે બહુ આલા દરજ્જાનું ભોટપણ જોઈએ. વળી, ટી.આર.પી. સાચી પણ હોય તો બાર્કની સેમ્પલ સાઈઝ એટલી નાની છે કે એને સવાસો કરોડની વસતિ ધરાવતા દેશના ન્યૂઝ ક્ધઝ્યુમિંગ ટાઈમના સચોટ પ્રતિનિધિ આંકડા માની શકાય નહીં. એનાથી એક આછો-પાતળો અંદાજ મળી શકે. બાકી બધું વધુને વધુ જાહેરાતો મેળવવા માટેની નંબર્સ ગેમ છે. એ ગેમમાં અર્નબ કે અન્ય ચેનલ્સ દૂધે ધોયેલી છે કે નહીં, એ ચર્ચા તપાસ પર છોડીને આગળ વધીએ. બધાં જાણે જ છે કે આ મામલે અનેકના પગ કુંડાળામાં છે.
વાત જાણે એમ છે કે ચેટના સંવાદોમાં અનેક મુદ્દે અર્નબની ટીકા થઈ શકે એમ છે. એના ઈરાદા અને દાનત પર સવાલો ઊભા થઈ શકે છે અને એમ થઈ પણ રહ્યું છે. લેકિન, ક્ધિતુ, પરંતુ, બંધુ… ક્યારેય બધું જ સંપૂર્ણપણે સફેદ કે સંપૂર્ણપણે કાળું હોતું નથી. દરેક વાત કે ઘટનાને સંપૂર્ણપણે સફેદ-કાળા, લાલ કે લીલા રંગે રંગી નાંખવાનું રાજકીય પક્ષોનું કામ છે. જાગૃત નાગરિક તરીકે આપણું નહીં. અર્નબે સુશાંતસિંઘ આપઘાત કેસમાં રિયાને જે રીતે ટ્રિટ કરી એની ટીકા થઈ હતી ત્યારે હવે જો આ ચેટકાંડમાં આપણે અર્બને પણ એ રીતે ટ્રિટ કરીએ તો આપણને અર્બન જ્યારે એવું કરે ત્યારે એની ટીકા કરવાનો અધિકાર રહેતો નથી. પોએટિક જસ્ટિસ પોએટ્રીમાં જ શોભે, ન્યાય અને સમાનતા જેવા ગુણો ધરાવતા લોકતંત્રમાં એને પ્રોત્સાહન આપીએ તો અંધાંધૂંધી સર્જાઈ જાય. આંખ સે બદલે આંખ કે ન્યાય સે તો દુનિયા અંધી હો જાયેગી બરખુરદાર.
- Advertisement -
ખેર, આટલી પૂર્વ ભૂમિકા અને થોડી ફિલોસોફી બાદ હવે મુદ્દાની વાત. મુદ્દો એ છે કે અર્નબની ટીકાઓમાં કેટલાક મુદ્દા ગેરવાજબી છે. પોએટિક જસ્ટિસના નશાના ચક્કરમાં એની બહુ વાત થતી નથી. માટે જે કારણોસર એની વાજબી ટીકા થઈ રહી છે એ મુદ્દાઓ સાઈડમાં રાખીને જે મુદ્દે એની ગેરવાજબી ટીકા થઈ રહી છે એની વાત કરીએ. એ જરૂરી એટલા માટે છે કે કોઈપણ મોટા કાંડ કે કેસ ભવિષ્યના સમય માટે માર્ગદર્શક હોય છે. આજે ન બોલવામાં આવે તો કાલે એ પરંપરા બની જાય એ શક્ય છે. જ્યારે પણ આગ લાગે ત્યારે સૂકાની સાથે લીલુ ન બળે એ જોવાની આપણી ફરજ છે.
આક્ષેપો થઈ રહ્યાં છે કે અર્નબને બાલાકોટ એરસ્ટ્રાઈક અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પગલાની આગોતરી ખબર હતી. એ બદલ એની સામે કાર્યવાહી થવી જોઈએ. આ વાત બાલિશ છે. એક પત્રકાર પર તમે કોઈ ઘટનાની આગોતરી જાણ રાખવા કે માહિતી મેળવવા બદલ ગુનેગાર ન ઠેરવી શકો. એ જ તો એનું કામ છે. એનો ધંધો છે. જો તમે એમ કહેતા હોવ કે અર્નબને એર સ્ટ્રાઈક અને 370ની અગાઉથી ખબર હતી તો એ અર્નબની ટીકા નહીં, પણ ટેકનિકલી એની તારીફ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે બાલાકોટ જેવા મિશનની જાણકારી તો વડાપ્રધાન સહિત ટોચના પાંચેક લોકો પાસે જ હોય. એ માહિતી અર્નબ પાસે આવી કેવી રીતે? ડિફેન્સ રિલેટેડ એ માહિતી લિક કરવા બદલ લીક કરનાર અને મેળવવા બદલ અર્નબને જેલમાં પૂરવા જોઈએ. પ્રોફેશનલ સિક્રસી અને દેશની સુરક્ષાના મામલા પૂરતી એ દલીલ વાજબી લાગી રહી છે. એ માહિતી લીક કરનાર સામે કાર્યવાહી થઈ શકે. રહી વાત અર્નબની તો કોઈ માહિતી મેળવવા માટે પત્રકારોએ જીવના જોખમ ખેડ્યા હોવાના ઉદાહરણોથી દુનિયાનો ઈતિહાસ ભર્યો પડ્યો છે તો એકાદા કેસથી કોઈ પત્રકાર શા માટે ડરે? દિલ્હી કે મુંબઈમાં બેસતો કોઈ નેશનલ પત્રકાર હોય કે તાલુકા કક્ષાએ કોઈ ફરફરિયામાં કામ કરતો સ્ટિંગર, દરેકની પાસે અનેક ઓન ધ રેકોર્ડ અને ન છાપવાની શરતે મળતી ’ઓફ ધ રેકોર્ડ’ માહિતીનો ભંડાર હોય જ છે. એ માહિતી કયા લેવલની હોય એનો આધાર એની પહોંચ અને એના લેવલ પર હોય છે.
હા, અર્નબે એ માહિતી દુશ્મન દેશને વેંચી દીધી હોય અથવા તો પ્રસારિત કરી દીધી હોય જેનાથી દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ હોય તો એ બિલકુલ એ રીતે દોષિત સાબિત થાય જે રીતે 26-11ના મુંબઈ હુમલા વખતે કેટલીક ચેનલ્સ દોષિત હતી. આ મામલે તો એણે માત્ર એટલું જ લખેલું કે – ’કુછ બડા હોનેવાલા હૈ.’ – આ બહુ જ વેગ વાત છે. આવું નિવેદન તો પાનના ગલ્લે ઊભેલો ચર્ચાચતુર પણ કરી શકે અને અર્નબની ચેનલે પણ એવો જ કંઈક ખુલાસો કર્યો છે કે એ વાતો એવી જ હતી જે ઓલરેડી ઓપન પ્લેફોર્મ્સ પર ચર્ચાતી જ હતી. અર્નબના એ નિવેદનથી એ બિલકુલ સાબિત નથી થતું કે એને મિશનની સંપૂર્ણ જાણકારી હતી કે ફલાણા પ્લેનમાં બેસીને ઢોંકણો પાઈલટ લોંકડા સ્થળે બોમ્બ ફેંકવાનો છે. એને કલમ 370 હટવાની જાણકારી હોવાના આક્ષેપનું પણ એવું જ છે. કોઈએ એને ’ઓફ ધ રેકોર્ડ’ એ વાત જણાવી હોય તો એ એની સિદ્ધી છે, ગુનો નહીં. અર્નબની વિચારધારા અને પત્રકારત્વ સાથે અનેક મતમંતાતરો હોવા છતાં અને એનો ટીકાકાર હોવા છતાં આ એટલા માટે લખી રહ્યો છું કે આ પત્રકારત્વના હિતમાં છે. હું અર્નબના નહીં, એક પત્રકારના પણ માહિતી રાખવા અને મેળવવાના હકના સમર્થનમાં છું. થોડાં સમય પહેલા રાજકોટ પોલીસે સ્ટિંગ ઓપરેશન કરવા બદલ એક જાણીતા અખબારના આગેવાન પત્રકારો સામે ગુનો નોંધી લીધો ત્યારે પણ મેં સ્પષ્ટ લખેલું કે – ’વિશ્ર્વનું કોઈપણ સ્ટિંગ ઓપરેશન તમામ નિયમોના પાલન સાથે શક્ય બને જ નહીં. કારણ કે લગભગ દરેક સ્ટિંગમાં જાસૂસી, પીછો કરવો અને રેકોર્ડિંગ જેવી બાબતો સામેલ હોય. જો પોલીસ સ્ટિંગ ઓપરેશન્સનો હેતુ જાણ્યા વિના આ રીતે ગુના નોંધવા માંડે તો કોઈ સ્ટિંગ ઓપરેશન જ ન થાય અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો ખો નીકળી જાય.’
આટલી વાતો એક પત્રકાર તરીકે પત્રકારત્વના હિત અને ભવિષ્ય માટે કહેવી જરૂરી લાગી એટલે કહી. બાકી અર્નબ સામેના જે પ્રશ્નો છે એ યથાવત છે. પુલવામા એટેક બાદ મળતી તોતિંગ ટી.આર.પી. જોઈને અર્બને આપેલી પ્રતિક્રિયા એ લોકોનો પ્રશ્ર્ન છે જેઓ અર્નબને ’રાષ્ટ્રવાદી’ પત્રકાર માને છે! બાકી પી.એમ.ઓ. અને મંત્રીઓના બેકિંગથી મોટા પદ અપાવવાની દલાલી વગેરેની વાતો નિરા રાડિયા કૌભાંડની યાદ અપાવે છે. મેં આગળ કહ્યું કે આ બધી વાતોમાં કોઈ નવાઈ નથી, આવું જ હોય એનો મતલબ એવો નથી કે આવું જ ચલાવી લેવું. આ બધી બાબતો અને ટી.આર.પી. કૌભાંડ સહિતના બીજા જે મુદ્દે એની ટીકા થાય છે અને તપાસની માગ થાય છે એ થવી જ જોઈએ ને દોષિત સાબિત થાય તો સજા પણ થવી જ જોઈએ. અર્નબ હોય કે કોઈપણ પત્રકાર હોય એ કોઈપણ પ્રકારની દલાલીમાં દોષિત સાબિત થાય તો એની સામે કડક પગલા ભરાવા જ જોઈએ. અસ્તુ.
- Advertisement -
ફ્રી હિટ :
અર્નબે ચેટમાં રજત શર્માને ‘ફૂલ’, નાવિકા કુમારને ‘કચરા’ અને પ્રકાશ જાવડેકરને ‘યુઝલેસ’ કહ્યાં એ એની પર્સનલ ચેટમાં વ્યક્ત થયેલો અંગત મત છે. એવા મત તો મારી-તમારી કે કોઈની પણ પર્સનલ ચેટ ખોલો તો નીકળી આવે. અને નાવિકા વિશે તો અર્નબથી વધુ કોણ જાણતું હોય? હોવ…