SOGએ હિસ્ટરીશીટરને દેશી તમંચા સાથે દબોચી લીધો, એમપીથી લાવ્યાની કબૂલાત
ભક્તિનગર પોલીસ જંગલેશ્ર્વરમાંથી વેબલી, કારટીસ સાથે બેલડીને દબોચી લીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં હથિયારોની હેરાફેરી કરતાં શસ્ત્રોના સૌદાગરો ફરી સક્રિય થયા હોય અને ગમે ત્યારે ગમે ત્યાં ભડાકા થવાની દહેશત હોવાથી આવા તત્વોને ડામી દેવાની પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે એસઓજીએ અટીકામાંથી હિસ્ટ્રીશીટરને દેશી તમંચા સાથે અને ભક્તિનગર પોલીસે જંગલેશ્વરમાંથી બે શખ્સોને વેબલી તથા 6 કારટીસ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એમ સરવૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમી આધારે જંગલેશ્વરના ભવાની ચોકમાં આવેલ આરએમસી ક્વાટર પાસે દરોડો પાડી એક્ટીવા સાથે મનહર સોસાયટીના સોહિલ મજીદભાઈ પરમાર ઉ. 27 અને જંગલેશ્વરના ઉદય દિનેશભાઈ જાખેલીયા ઉ.19ને સકંજામાં લઈ જડતી લેતા 10 હજારની વેબલી રિવોલ્વર, 6 કારટીસ મળી આવતા બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી વાહન સહિત 30,300નો મુદામાલ કબજે કર્યો હતો આ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા અને શું ઉપયોગ કરવાના હતા તે સહિતના મુદે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જ્યારે એસઓજીના પીઆઈ જે ડી ઝાલા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયાના નહેરૂનગરમાં દરોડો પાડી આનંદનગર ક્વાટરના ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા ઉ.35ને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં અગાઉ માથાકૂટ થઈ હોય અને આરોપીઓ સાથે દુશ્મનાવટ ચાલતી હોય પોતે સ્વબચાવ માટે એમપીથી પંદર-વીસ દિવસ પૂર્વે લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ચિરાગ અગાઉ દારૂ, હત્યાની કોશિષ, મારામારી સહિત 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.