વડાપ્રધાન મોદીની સુરક્ષાના પગલે રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ હુકમ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા મજબૂત કરવા કેટલાક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનાર ધાર્મિક શોભાયાત્રાઓ, તહેવારો, રેલી અને ધરણાં દરમિયાન જાહેર શાંતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શહેરમાં 28 ફેબ્રુઆરી 2026 સુધી હથિયારબંધીનો હુકમ જાહેર કર્યો છે.
આ જાહેરનામા મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ખંજર, ચપ્પા સહિત શારીરિક હિંસા પહોંચાડે તેવી કોઈપણ ચીજ જાહેરમાં લઈ જવા, પરવાનાવાળા હથિયારો સાથે જાહેર સ્થળે ફરવા, હવામાં ફાયર કરવા, સરઘસમાં શસ્ત્રો કે સળગતી મશાલ લઈ જવા, પથ્થરો અથવા શસ્ત્રો એકત્ર કરવા, પુતળા દહન કે ફાંસી આપવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ફરજ દરમિયાન સરકારી અથવા અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહીં.
આ સાથે શહેરની જાહેર સલામતી વધુ મજબૂત બનાવવા પોલીસ કમિશનર દ્વારા અઝખ, બેંકો, મોલ, શોપિંગ સેન્ટર, મલ્ટીપ્લેક્ષ, હોટલ, રેસ્ટોરાં, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, આંગડિયા પેઢી, મોટા ઔદ્યોગિક એકમો તથા ધાર્મિક સ્થળોએ ઈઈઝટ કેમેરા લગાવવાનું ફરમાન કરાયું છે. પ્રવેશ અને બહાર નીકળવાના તમામ દ્વાર, પાર્કિંગ, લોબી અને જાહેર જનતા માટેની જગ્યાઓ આવરી લે તે રીતે ઉચ્ચ ગુણવત્તાના કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું 30 દિવસ સુધી સાચવવું ફરજિયાત રહેશે. ઈઈઝટ કેમેરા 24 કલાક કાર્યરત રાખવાની જવાબદારી સંચાલકોની રહેશે અને પોલીસ માગે ત્યારે વિલંબ વગર ફૂટેજ ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
મોલ અને મોટા એકમોમાં સિક્યોરિટી ગાર્ડ, મેટલ ડિટેક્ટર, વાહન અને સામાન ચેકિંગની વ્યવસ્થા તેમજ સ્નિફર ડોગની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. હાલ કાર્યરત એકમોએ સાત દિવસમાં આ વ્યવસ્થા પૂર્ણ કરવાની રહેશે, જ્યારે નવા એકમોને તમામ વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાની મંજૂરી મળશે.



