મોર્નિંગ મંત્ર
– ડો. શરદ ઠાકર
એક વયોવૃદ્ધ માણસે ઓશો પાસે જઈને પોતાની સમસ્યા રજૂ કરી, “હું છેલ્લાં ત્રીસ-ત્રીસ વર્ષથી ઈશ્વરની ખોજ કરી રહ્યો છું, પણ મને ઈશ્વર મળતો નથી.” ઓશો હસ્યા, “ત્રીસ વર્ષ તો ખૂબ વધારે સમય કહેવાય. લાગે છે કે ઈશ્વર તમારાથી બચવા માગે છે. નહીંતર અત્યાર સુધીમાં એ તમને જડી જ ગયા હોત.”
- Advertisement -
સજ્જનને માઠું લાગ્યું, “તમે મજાક ન કરો, સાચું કહો. મેં સાચા હૃદયપૂર્વક ઈશ્વરની શોધ ચલાવી છે પણ હજુ સુધી મને કોઈ ફળ મળ્યું નથી, આવું શા માટે?” ઓશો ફરીથી હસ્યા, “સાચું કહો, તમે ઈશ્વરને શોધતા હતા કે ફળ શોધતા હતા?”
પેલા સજ્જને કહ્યું, “હું ફળને નહીં, ઈશ્વરને જ શોધતો હતો, પણ કોઈ સિદ્ધિ તો દેખાવી જોઈએ ને?”
હવે ઓશોએ ગંભીરતાપૂર્વક સમજાવ્યું, “ભાઈ, તમને ન તો ઈશ્વરની શોધ હતી, ન આત્મ સાક્ષાત્કારની ઝંખના; તમને ફળની તલાશ હતી, તમને સિદ્ધિઓની ઝંખના હતી, માટે ઈશ્વર મળ્યા નહીં.”
મોટા ભાગના સાધકો માટે આ જ સત્ય છે. આપણે તપ કરીએ છીએ, સાધના કરીએ છીએ, મંત્ર-જાપ કરીએ છીએ, ધ્યાનમાં બેસીએ છીએ, પૂજા-પાઠ, ધર્મનું બાહ્ય આચરણ, આ બધું જ કરતા રહીએ છીએ, પણ એવું કરવા પાછળનો આપણો એકમાત્ર આશય ધનપ્રાપ્તિ, સાંસારિક સુખપ્રાપ્તિ, પ્રતિષ્ઠા, ભૌતિક સમૃદ્ધિ વગેરે મેળવવાનું હોય છે. આપણી સાંસારિક મુશ્કેલીઓ દૂર થાય એ માટે આપણે ઈશ્વરને ભજીએ છીએ. પરિણામે બીજું તો જે થવાનું હોય તે થાય, પરંતુ આપણને ઈશ્વર પ્રાપ્તિ થતી નથી.