મોરબી જિલ્લામાંથી રાજકોટ બદલી કરાવવામાં સદાદિયાએ મદદ કરી હતી
આરદેશણા, પરમાર, પુજારા અને સદાદિયાની ચંડાળ ચોકડી કોઠાં-કબાડામાં ઉસ્તાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિની સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસ ખાતે ગત તારીખ 14 ઓક્ટોબરના રોજ સીઆરસીની ભરતી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી અને એડીપીસી નરેન્દ્ર આરદેશણા દ્વારા ઈરાદાપૂર્વક સીઆરસી નં.15ની એક જગ્યા દર્શાવવામાં આવી ન હતી જેનું કારણ સીઆરસીની એક ખાલી જગ્યા પર ફરી સસ્પેન્ડેડ સીઆરસી અને શિક્ષક દિનેશ સદાદિયાને ઘૂસાડવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ અંગે સીઆરસી ભરતી કેમ્પમાં ઉપસ્થિત કેટલાક શિક્ષક અને ઉમેદવારોએ ઈન્ચાર્જ શાસનાધિકારી અને એડીપીસી નરેન્દ્ર આરદેશણા પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેઓ ફરી દિનેશ સદાદિયાને પરત લાવીને સીઆરસી બનાવવા માંગે છે. આ કારણોસર ઉપસ્થિત સૌ શિક્ષકો અને ઉમેદવારોએ વિરોધ ઉઠાવ્યો હતો. અંતે ગાંધીનગરની ઓફિસ ખાતે માર્ગદર્શન માંગણી માટેનો કાગળ કરી આખો ભરતી કેમ્પ ઘોંચમાં પાડવા માટે નરેન્દ્ર આરદેશણા સફળ રહ્યા હતાં. જોકે આ પ્રથમવાર નથી જ્યારે તેઓ દિનેશ સદાદિયાને મદદરૂપ થયા હોય, અવારનવાર નરેન્દ્ર આરદેશણા પોતાના લખણ ઝળકાવતા આવ્યા છે.
નોંધનીય છે કે, ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણા આજકાલથી નહીં પરંતુ ઘણાં વર્ષોથી બદલી કેમ્પમાં કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતાં જ રહે છે. થોડા દિવસો પહેલા શિક્ષક બદલી કેમ્પમાં એક શિક્ષકને માંગણી મુજબ શાળામાં સ્થાન આપવામાં ન આવતા શિક્ષક દ્રારા કોર્ટ કેસ કરવામાં આવ્યો છે. તે અગાઉ થોડા વર્ષો પહેલાં એક આખો બદલી કેમ્પ રદ્દ કરવામાં આવ્યો હતો જે અંગે સમિતિના એક ક્લાર્કનો ઈજાફો પણ અટકાવવામાં આવ્યો હોવાનું સૌના ધ્યાનમાં છે.
બીજા જિલ્લામાંથી શિક્ષકોની રાજકોટ શિક્ષણ સમિતિમાં બદલી ગોઠવી આપવામાં પણ આરદેશણાનું નામ મોખરે આવે છે. તેઓએ આ શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરથી ધર્મપત્નીની બદલી કરાવીને કરી હતી. રાજકોટ પ્રાથમિક શિક્ષક મંડળના હોદેદારો ખોટી ગોઠવણી કરી લાગતાવળગતાઓની પત્નીઓ, સગા સંબંધીઓને આવો લાભ આપી રાજકોટ શિક્ષણ સમિતિની શાળાઓમાં મનપસંદ જગ્યાએ ઘૂસાડી દે છે અને વર્ષોથી જિલ્લા ફેરની બદલીની લાઈનમાં ઉભા રહેલા શિક્ષકોના વારા કપાઈ જાય છે.
શાસનાધિકારી આરદેશણા શિક્ષક મંડળના પ્રમુખ સદાદિયાની નિકટ હોય વહેતી ગંગામાં હાથ ધોવા માટે આરદેશણાના પત્ની જે એચટાટ મુખ્ય શિક્ષક છે તેમને મોરબી જિલ્લામાંથી બદલી કરી રાજકોટ શિક્ષણ સમિતિની શાળામાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા. જેમાં તે સમયના તત્કાલીન ચેરમેન દેવાંગ માંકડના મહત્વના પ્રોજેક્ટમાં વિક્ષેપ પાડી તેમની ઉપર આડકતરુ દબાણ લાવી સમિતિની બોર્ડ મીટિંગમાં બળજબરીપૂર્વક નિયમ વિરુદ્ધ ઠરાવ કરાવામાં આવ્યો હતો. જેની નોંધ તે સમયના જાગૃત સભ્ય સ્વ. કુસુમબેન પરમાર દ્રારા લેવામાં આવી અને પ્રાથમિક શિક્ષણ નિયામક ઓફિસ ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેથી શાસનાધિકારી આરદેશણાને ગાંધીનગરથી ઠપકો મળ્યો હતો અને તેમના પત્નીની ખોટી જિલ્લા બદલી અન્વયે તેમને પરત મોરબી જવાનો વારો પણ આવેલો હતો.
આ સમગ્ર પ્રકરણમાં તે સમયે અત્યારના શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા પણ સભ્ય તરીકે કાર્યરત હતા જેથી પુજારા અને શાસનાધિકારી આરદેશણાની જુગલજોડી આવા અંડાગંડા કરવામાં ખુબ જ માહિર ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ જરૂરિયાત સંતોષી સસ્પેન્ડેડ શિક્ષક સદાદિયા શાસનાધિકારી આરદેશણાને એટલી હદ સુધી ઉપયોગી બનેલા હોય ત્યારે શિક્ષણ નિયામકની ઓફિસ દ્વારા દિનેશ સદાદિયાના સસ્પેન્ડેડ હુકમ ઉપર મંજૂરી આપી દેવામાં આવી છે તો પણ એડીપીસી આરદેસણાએ સદાદિયાને બચાવવા માટે યેનકેન પ્રકારે મદદરૂપ થતા હવે નરેન્દ્ર આરદેશણાના માસૂમ ચહેરા અને સીધાસાધા વ્યવહાર ઉઘાડા પડી તેઓની અસલિયત બહાર આવી ગઈ છે.
- Advertisement -