જૂનાગઢ શહેરમાં રસ્તા બિસ્માર બનતા લોકોમાં રોષ
ચોમાસામાં અનેક વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય: લોકો ત્રાહિમામ
- Advertisement -
ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસ લાઈનનું કામ ક્યારે ખૂટતું જ નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ શહેરને મહાનગર પાલિકાને દરજ્જો મળ્યો ત્યારથી હજુ સુધી શહેરીજનો મૂળભૂત પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહી છે.એમાં પણ ભૂગર્ભ ગટર સાથે પાણીની પાઇપ લાઈન અને હવે ગેસ લાઈન નાખવાની કામગીરી ખુટતીજ નથી વર્ષોથી શહેરની પ્રજા જાણે સારા રસ્તા ક્યારે બનશે તેનું માત્ર સપનું જોઈ રહી છે.હાલ શહેરના તોડેલા રસ્તા રીપેર થતા નથી ત્યાં સારા રોડ છે ત્યાં પણ તોડવાનું શરુ થતા શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.લોકો પૂછી રહ્યા છે કે, ક્યારે આ કામો પૂર્ણ થશે અને ક્યારે સારા રસ્તા મળશે ત્યારે મનપાની મનમાનીના લીધે અને અણધડ વહીવટના લીધે જાણે શહેરને બાનમાં લીધું હોઈ તેવા દર્શ્યો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢમાં ખરાબ રસ્તાઓથી શહેરીજનો ત્રસ્ત છે. તેવામાં શહેરના ભૂતનાથ ફાટકથી સરદાર ચોક સુધીના રસ્તાને પાણીની લાઇન નાખવા માટે ખોદવાનું શરૂ કરવામાં આવ્યુ છે. ડામર રસ્તો પુરો થયા બાદ સાઇડમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા હવે રસ્તાનું ખોદકામ ચાલી રહ્યું છે તેમાં લાઇન નખાઇ ગયા બાદ પેવર બ્લોક પણ ખાડા બુરવામાં નાખી દેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ખાડા પર આડેધડ માટીના ઢગલા હોવાથી આસપાસમાં કિચકાણ થઇ રહી છે.
આઝાદીના સાડા સાત દાયકા બાદ પણ શહેરમાં હજુ કેટલાય વિસ્તારોમાં પાયાની સુવિધા એવી પાણીની વ્યવસથા થઇ શકી નથી. શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓનું ખોદકામ ચાલે છે. એકી સાથે ખોદવાનું કામ થતુ નથી. એકવાર પાણીની લાઇન માટે રસ્તો તોડવામાં આવે ત્યારેબાદ નવો બનાવવામાં આવે ત્યાર બાદ ગેસની લાઇન માટે તોડવામાં ફરી નવો બનાવવામાં આવે ત્યાર બાદ ભૂગર્ભ ગટર માટે તોડવામાં આવે ફરી નવો બનાવવામાં આવે આવી સ્થિતિનાકારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જાય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે જેના કારણે અગાઉના ખોદેલા રસ્તાઓ પર પેચવર્ક કરવામાં આવ્યુ ન હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓના સમારકામ કવરાને બદલે ભૂતનાથ રેલવે ફાટકથી સરદાર ચોક તરફના રસ્તા પર તથા હાટેકશ હોસ્પિટલથી કાળવાના પુલ સુધી પાણીની લાઇન નાખવાની કામગીરી ચોમાસાની સિઝનમાં શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
ભૂતનાથ ફાટકથી સરદાર ચોક સુધીના કામમાં ડામર રોડ પુરો થાય ત્યાર બાદ 3/4 ફુટનો ફુટપાથ છે. ડામર રોડ અને ફુટપાથ નીચે વચ્ચે પાણીની લાઇન નાખવામાં આવ્યા ત્યારે પેવર બ્લોક નીકળી રહ્યા છે. લાઇન નખાય ગયા બાદ ખાડો બુરવામાં આવે ત્યારે પેવર બ્લોકને પણ ખાડો બુરવામાં નાખી દેવામાં આવે છે. આ રસ્તા પર ખાડો બુરી દીધા બાદ તેનું લેવલીંગ પણ કરવામાં આવતુ નથી. હળવા હળવા ઝાપટાના કારણે આસપાસમાં કાદવ-કિચડ થાય છે. ખોદેલા ખાડાઓમાં અનેક વાહનો પણ ખુંચી રહ્યા છે. આડેધડ કામગીરીથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી છવાઇ છે.
રખડતાં ઢોર, શ્ર્વાન અને બિસ્માર રસ્તાથી જૂનાગઢવાસી બાનમાં
જૂનાગઢ શહેરની જાણે ઘણા વર્ષોથી માઠી બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રખડતા ઢોરનો શહેરના માર્ગો પર અડીંગો જોગા મળી રહ્યો છે અને બીજી તરફ શહેરમાં શ્ર્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અનેક લોકો શ્ર્વાનનો શિકાર બની રહ્યા છે. આમ શહેરમાં અનેક સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. શહેરીજનો મનપા દ્વારા પ્રાથમિક સુવિધા સુવ્યવસ્થિત મળી રહે તેના માટે કરોડો રૂપિયાનો ટેક્સ ચુકવે છે પણ સામે જોઇએ તેટલી સુવિધાના નામે મિડુ જોવા મળે છે. ત્યારે શહેરીજનોને સારા રસ્તા જોવા મળશે તેની લોકો રાહ જોઇને બેઠા છે.




