શાળા મેનેજમેન્ટ અને સ્વેટર-જેકેટના દુકાનદારો સાથે મિલીભગત હોવાનો રોહિત રાજપૂતનો આક્ષેપ
રાજકોટની સેન્ટમેરી, એસએનકે, મોદી, ધોળકિયા, કડવીબાઈ, સેન્ટ ઝેવિયર્સ સહિતની અનેક શાળાઓનો દુરાગ્રહ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની સ્કૂલોમાં ડે્રસકોડ ધરાવતું સ્વેટર ફરજિયાત ન કરવા આજરોજ કોંગ્રેસ વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કલરના કે ડીઝાઈનના જેકેટ કે સ્વેટર પહેરવા પણ કોઈ પણ શાળાઓ દ્વારા દબાણ કરવામાં ન આવે તે અંગેનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગત મહિને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે આ પરિપત્રની આજદિન સુધી અમલવારી ન થતી હોવાનો આક્ષેપ રોહિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો હતો. આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરતાં રોહિતસિંહ રાજપૂતે કહ્યું કે શાળાઓ સ્વેટર અને જેકેટ ચોક્કસ સ્ટોર પરથી ખરીદવાનો આગ્રહ કરે છે અને આ જેકેટ, સ્વેટરનો ભાવ રૂા. 500થી 1500 સુધીનો હોય છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને સ્વેટર ખરીદવા મોંઘા પડી જતાં હોય છે.
વધુમાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે મોટાભાગની સ્કૂલોની આવા સ્વેટરના સ્ટોલ સંચાલકો સાથે મિલીભગત હોય અને સ્વેટર, જેકેટ દીઠ કમિશન લેતાં હોવાથી પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીનો ભોગ બનાવે છે જે શરમજનક બાબત છે. ગત વર્ષે જ શહેરની જસાણી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઠંડીના કારણે મોત નિપજ્યું હતું અને મોત થવા પાછળનું કારણ સ્કૂલના સ્વેટરમાં ઠંડી લાગવાનું સામે આવ્યું હતું. રાજકોટની સેન્ટમેરી, એસએનકે, મોદી, ધોળકીયા, કડવીબાઈ, સેન્ટ ઝેવિયર્સ સહિતની અનેક સ્કૂલોમાં આવો ખોટો આગ્રહ રાખવામાં આવે છે જેનો ભોગ નાના બાળકો બનતાં હોય છે ત્યારે હવે ઠંડીથી રક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ નરમ વસ્ત્રો પહેરે તેવી માંગ કરવામાં આવી છે.