એપલ દ્વારા નવું સોફ્ટવેર સુટ રિલીઝ કરવામાં આવ્યું છે જેનું નામ એપલ ક્રિએટર સ્ટુડિયો નામ આપવામાં આવ્યું છે. એડોબના ક્રિએટિવ ક્લાઉડ પ્લેટફોર્મને ટક્કર આપવા માટે એપલ દ્વારા ક્રિએટર સ્ટુડિયોને લોન્ચ કરવામાં આવ્યું છે.
આ સુટને એપલ સ્ટોર પર 28 જાન્યુઆરીથી રજૂ કરવામાં આવશે. એમાં જાણીતી ક્રિએટિવ એપ્લિકેશન ફાઇનલ કટ પ્રો, લોજિક પ્રો, પિક્સેલમેટર પ્રો, મોશન, કોમ્પ્રેસર અને મેઇન સ્ટેજનો સમાવેશ કરવામાં આવશે. એપલ હવે યુઝર્સને એડિટિંગ માટેની એક નવી દિશા અને સર્વિસ પૂરી પાડવા માગે છે અને એ પણ સબસ્ક્રિપ્શન આધારિત સર્વિસ.
- Advertisement -
કેટલાં રૂપિયા ચૂકવવા પડશે
એપલ ક્રિએટર સ્ટુડિયોની કિંમત હાલમાં બે વિકલ્પમાં રાખવામાં આવી છે. એપલ દ્વારા એક મહિના માટે ફ્રી ટ્રાયલ આપવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ માસિક અથવા તો વાર્ષિક પેમેન્ટ કરી શકાશે. યુઝર એક મહિનાના 399 અને એક વર્ષ માટે 3999 રૂપિયા ચૂકવી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ ફ્રી ટ્રાયલ બાદ એક મહિનાના 199 અને એક વર્ષના 1999 રૂપિયા ચૂકવવા પડશે. આઇપેડ અથવા તો મેકબુકની ખરીદી પર ત્રણ મહિના માટે આ સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરી શકાશે. આ સુટ મેકબુક અને આઇપેડ બન્ને પર કામ કરી શકશે. જોકે મેઇન સ્ટેજ એપ્લિકેશન ફક્ત મેકબુક યુઝર્સ માટે છે. આ સિવાયની તમામ એપ્લિકેશન આઇપેડ પર પણ કામ કરશે.
ક્રિએટર સ્ટુડિયોના એક્સ્ટ્રા ફીચર્સ
- Advertisement -
એપલ દ્વારા ક્રિએટિવ સ્ટુડિયોમાં મહત્ત્વની એપ્લિકેશનનો સમાવેશ કરવાની સાથે ઇન્ટેલિજન્ટ ફીચર્સ અને પ્રીમિયમ કન્ટેન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ કન્ટેન્ટ અને ફીચર્સ ખાસ કરીને કીનોટ્સ, પેજેસ અને નંબર્સ એપ્લિકેશનમાં જોવા મળશે. આ ફીચર્સનો ઉપયોગ આઇફોન, આઇપેડ અને મેકબુક પર પણ કરી શકાશે. એપલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ટરનેટ સોફ્ટવેર એન્ડ સર્વિસ એડી ક્યુ કહે છે કે કંપની આ દ્વારા પ્રોફેશનલ, ક્રિએટિવ આર્ટિસ્ટ અને અન્ય વ્યક્તિઓને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવા માગે છે જેમાં તેમને શરૂઆતથી લઈને અંત સુધીની દરેક સર્વિસ મળી રહે.
એડોબ સાથે એપલ ક્રિએટર સ્ટુડિયોની કિંમતની સરખામણી
એડોબના ક્રિએટિવ ક્લાઉડ પ્રો સર્વિસની સામે એપલની સર્વિસ ખૂબ જ સસ્તી અને સારી છે. એડોબ માટે યુઝરે મહિનાના 1499 રૂપિયા ચૂકવવા પડશે. બિઝનેસ માટે 4405 રૂપિયા અને વિદ્યાર્થીઓએ 799 રૂપિયા એક મહિનાના ચૂકવવા પડશે. એડોબની પોપ્યુલર એપ્લિકેશન ફોટોશોપ, પ્રીમિયર અને ઇલસ્ટ્રેટર, આ દરેક એપ્લિકેશન માટે એક મહિનાના 599 રૂપિયા અલગ-અલગ ચૂકવવાના રહેશે. એપલ તેના યુઝર્સને સબસ્ક્રિપ્શન માટે કોઈ પણ પ્રકારની ફરજ નથી પાડી રહ્યું. સિંગલ એપ્લિકેશનનો ઉપયોગ કરનારા હજી પણ મેક એપ સ્ટોર પરથી એ એપ્લિકેશનને ખરીદી શકે છે. જોકે એડોબની એક એપ્લિકેશનની સાથે એપલનો સંપૂર્ણ ક્રિએટિવ સ્ટુડિયો આવી જશે.




