વર્તમાન ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઈસ ચેરમેન તરીકે ફુલાભાઈ શિંગાળાની નિયુક્તિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાની ગ્રાહક સહકારી પ્રવૃત્તિની શિરમોર સંસ્થા એટલે અપના બજારનો વર્ષ 2024-25ના સમયનો આર્થિક ચિતાર સભાસદો સમક્ષ રજૂ કરવા મળેલી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં યોજાઈ. ગ્રાહકો, ચાહકો, શુભેચ્છકો, સભાસદોના વિશ્ર્વાસના આધારે કાર્યરત આ સંસ્થાની 1963થી સહકારી યાત્રા શરૂ થઈ. બીજમાંથી વટવૃક્ષ પામેલી ઉંમરની દૃષ્ટિએ સિનિયર સિટીઝન ‘વયસ્ક’ આ સંસ્થા 62 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. વર્તમાન વર્ષ 63મું ચાલુ છે. આ સંસ્થાના સમય સાથેના અનેક ચડ-ઉતરના સાક્ષીસમા વિશાળ સભાસદગણની હાજરીમાં યોજાયેલ મીટીંગમાં ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઈસ ચેરમેન દિપક ચાવડાએ પૂર્ણ થયેલ ગત નાણાકીય વર્ષના લેખાજોખાના નિરૂપણને સભાસદો સમક્ષ રજૂ કરતાં કરેલ કામગીરીનો સંતોષ વ્યક્ત કરી અપના બજારની વ્યાવસાયિક પ્રવૃત્તિ ઉપરાંત સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અર્થે સભાસદો તથા સભાસદ પરિવારને લાભાન્વિત કરતી અનેક યોજનાઓ જેવી કે ‘નહીં નફો નહીં નુકસાન’ના ઉમદા આશયથી સભાસદ મેલા, મેડિકલ સહાય માટે શહેરની નામાંકિત હોસ્પિટલો સાથે સભાસદો માટે કલ્યાણકારી કરારો, નિ:શુલ્ક નિદાન કેમ્પ આ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ વીતેલ નાણાકીય વર્ષની ફલશ્રુતિ રજૂ કરી, જેમાં સંસ્થાના પૂર્વ ડિરેકટરોના માર્ગદર્શન ચાલુ બોર્ડ ઓફ ડિરેકટર્સના સદસ્યોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.
- Advertisement -
સંસ્થાના માર્ગદર્શન કરતાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી ખાતુ, પ્રિન્ટ મીડિયાના સહકારની આભારસહ નોંધ લેવામાં આવી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજની આ સામાન્ય સભામાં સંસ્થાના ડિરેકટર સર્વે મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, વિક્રમસિંહ પરમાર, મહેશભાઈ કોટક, પંકજભાઈ દેસાઈ, નયનાબેન મકવાણા, ફુલાભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા, નટુભાઈ ચાવડા, જિગ્નાબેન પટેલે ઉપસ્થિત રહી અનેક પ્રણાલિકાગત ઠરાવોની દરખાસ્ત તથા તેને અનુમોદન આપતી કાર્યવાહી પૂર્ણ કરેલી. સભાનું સંચાલન ડિરેકટર નયનાબેન મકવાણાએ કર્યું હતું.