સભાસદ કલ્યાણ વર્ષ અંતર્ગત આરોગ્યલક્ષી પહેલ; રાહતદરે બ્લડ રિપોર્ટ્સ પણ ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લાની સાડા છ દાયકા જૂની અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા, રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લી. “અપના બજાર”, દ્વારા સભાસદ કલ્યાણ વર્ષના ઉપલક્ષ્યમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત સભાસદો અને તેમના પરિવારોને મોંઘીદાટ તબીબી સારવારમાં આર્થિક રાહત મળી રહે તે હેતુથી, રાજકોટની અગ્રણી સહકારી સંસ્થા અપના બજાર અને નામાંકિત મલ્ટી સ્પેશિયાલિટી ગિરિરાજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ કેમ્પ આગામી તારીખ 03/08/2025, રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન અપના બજાર, ભૂપેન્દ્ર રોડ ખાતે યોજાશે.
નિષ્ણાત તબીબો દ્વારા નિ:શુલ્ક તપાસ અને માર્ગદર્શન: ગિરિરાજ હોસ્પિટલના ખ્યાતનામ તબીબો જેવા કે ડો. પ્રેમ લાખણી (યુરોલોજિસ્ટ), ડો. નરેશ સાપરિયા (ઓર્થોપેડિક સર્જન), ડો. કૃપેન ટેલર (બેરિયાટ્રિક સર્જન), અને ડો. કેયુર યાજ્ઞિક સહિતની ટીમ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
રાહતદરે બ્લડ રિપોર્ટ્સ: કેમ્પમાં સીબીસી, રેન્ડમ બ્લડ સુગર, લિવર, થાઇરોઇડ, લિપિડ પ્રોફાઇલ, કિડની સહિતના અનેક મોંઘા બ્લડ રિપોર્ટ્સ અત્યંત રાહત દરે કરી આપવામાં આવશે, જે સભાસદોને આર્થિક બોજમાંથી રાહત આપશે.
અપના બજાર દ્વારા આયોજિત આ મેડિકલ ચેકઅપ કેમ્પ અને રાહતદરે હેલ્થ રિપોર્ટ માટે મોટી સંખ્યામાં સભાસદોએ પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન ભાગ્યેશ વોરા અને વા. ચેરમેન દિપક ચાવડાના નેતૃત્વ હેઠળ સર્વે ડિરેક્ટરઓ મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજિત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, ડો. જિજ્ઞાબેન પટેલ, ફૂલભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા, તેમજ વહીવટી અધિકારી નરેશભાઈ શુક્લ, સાગર જોષી, કમલેશભાઈ ગજ્જર, પૂજા મેર, અમિત વાઘ અને જયેશ કારોલિયા સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આ “સભાસદ કલ્યાણ વર્ષ”ના પ્રકલ્પને આશીર્વાદ આપવા માટે જાહેરજીવન અને સમાજજીવનના અનેક અગ્રણીઓ પણ પ્રેરણાત્મક મુલાકાત લેનાર છે, તેમ સંસ્થાના ચેરમેન ભાગ્યેશ વોરા અને વા. ચેરમેન દિપક ચાવડા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કેમ્પ રાજકોટના સભાસદો માટે આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. જો આપ આ કેમ્પમાં ભાગ લેવા માંગતા હો, તો સમયસર પહોંચી નોંધણી કરાવી શકો છો.