RMC કમિશનરના બંગલાની શેરીમાં આવારાતત્વોનો જમાવડો: ગર્લ્સ હોસ્ટેલ નજીક હોવાથી લવરિયાઓ ભમરાની જેમ રાત દિવસ મંડરાઈ રહ્યા છે: પોલીસ પેટ્રોલિંગ જરૂરી
ચિરાગ એપાર્ટમેન્ટની દીકરીઓ સામે પણ આવારા તત્વો અશ્ર્લિલ ઈશારા કરતા હોવાથી રહેવાસીઓ ત્રસ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમ રેશિયો તો વધી રહ્યો છે. સાથે સાથે ગલીના આવારાતત્વોનો ત્રાસ અને અશ્ર્લિલતા પણ વધી રહી છે. શહેરના ગલીઓ ખૂણે લવરમૂછરીયાઓ ઊભા રહીને રહેવાસીઓને અનેક રાહદારીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવી એક ઘટના સામે આવતા ચકચાર મચી છે.
મ્યુનિસિપલ કમિશનરના બંગલાવાળી શેરીમાં આવેલા રામકૃષ્ણ નગરના ચિરાગ એપાર્ટમેન્ટના એક રહેવાસીએ ખાસ ખબર સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી કે, એપાર્ટમેન્ટના ખૂણા પાસે રોજ બપોરે અને સાંજે અનેક લવરીયાઓ આવીને ખરાબમાં ખરાબ અશ્ર્લિલ હરકતો કરે છે. તેથી ત્યાંના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંના રહેવાસી મહિલાએ જણાવ્યું હતું કે, અમારા એપાર્ટમેન્ટથી ત્રીજું ઘર કે જ્યાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે ત્યાંની છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ સાથે આવીને જાહેર રસ્તા પર અશ્ર્લિલ હરકતો કરે છે તેને મળવા આવતા આવારાતત્વો એપાર્ટમેન્ટની દીકરીઓ સામે પણ ગંદી નજર કરીને છેડતી કરે છે. આ ગર્લ્સ હોસ્ટેલના માલિક દિવ્યેશભાઈને વાત કરી તો તેમણે ઉડાઉ જવાબ આપીને કહ્યું કે, અમારી છોકરીઓ નથી. પરંતુ હકીકત તો એ છે કે, એ વિસ્તારમાં ઘણી બધી ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ આ જ હાલત છે.
આખો દિવસ આવારાતત્વો ત્યાં ગાડી લઈને છોકરીઓ માટે આંટાફેરા કરે છે જ્યારે અભ્યાસ માટે કે નોકરીઓ કરતી બહારગામની યુવતીઓ પણ તેને પ્રોત્સાહન આપે છે કેટલીક યુવતીઓને તો તેના બોયફ્રેન્ડ પિકઅપ કરીને ડ્રોપ પણ કરી જાય છે અને છૂટા પડતી વખતે જાહેરમાં કિસ કે અન્ય હરકતો કરે છે જેથી ત્યાંથી નીકળતા કે ત્યાંના રહેવાસીઓ આ હરકતથી ત્રાસી જાય છે.
- Advertisement -
આટલેથી ન અટકતા આ આવારાતત્વો એપાર્ટમેન્ટમાં રહેતી દીકરીઓ પર પણ નજર બગાડીને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. એપાર્ટમેન્ટના રહેવાસીઓ એટલી હદે કંટાળી ગયા છે કે, તેના દીકરા કે દીકરીઓને બહાર રમવા માટે જવા દેતા નથી. બાજુમાં ગાર્ડન તો છે પરંતુ ત્યાં પણ લવરીયાઓએ પોતાનો અડ્ડો જમાવી દીધો છે. ત્યાં નાના છોકરાઓ માટે રમવાના સાધનો છે પરંતુ તે રમી શકતા નથી કારણ કે, ત્યાં બેસીને યુવક યુવતીઓ જાહેરમાં અશ્ર્લિલ કરતા હોવાથી ત્યાં રમવું બાળકો માટે સારૂં નથી.
આવારાતત્વોની બિભત્સ ચેનચાળા અને જાહેરમાં નશા કરવા બાળકોના માનસ પર ખરાબ અસર કરે છે
ચિરાગ એપાર્ટમેન્ટના એક રહેવાસી મહિલાએ જણાવ્યું હતું કે, બગીચામાં કે જાહેરમાં અશ્ર્લિલ હરકતો અમારા બાળકોના માનસ પર અસર કરી રહ્યા છે. તે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે અને સિગારેટ પીવી કે, આવી અશ્ર્લિલ હરકતોને સારી બાબત માની બેસે છે જેને લઈને રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.