ભારતમાંથી કેનેડિયન રાજદૂતને તગેડ્યાને યોગ્ય ઠેરવતા મનીન્દરજિતસિંહ બીટા
ખાસ-ખબર સંવાદદાતા
ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટ (અઈંઅઝઋ)ના અધ્યક્ષ મનીન્દરજિતસિંહ બીટા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં શહેરના સર્કીટ હાઉસમાં તેમણે જણાવ્યું હતું કે ત્રિરંગાનું અપમાન થાય ત્યારે અમને ખૂબ જ દુ:ખ થાય છે. આ તકે તેમણે પ્રધાનમંત્રી મોદીની કામગીરીનાં વખાણ કર્યા હતા અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ કેનેડા ખાલિસ્તાનને લઈને ન સુધરે તો જોઈ લેવાની ચેતવણી આપી હતી. રા જકોટની મુલાકાત દરમિયાન એમ.એસ. બીટા સાથે ફાલ્કન ગૃપના કમલનયનભાઈ સોજીત્રા, જગદીશભાઈ કોટડિયા, સુરતના અશ્ર્વિન સભાયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે બીટાએ ખોડલધામ મંદિર અને ફાલ્કન પંપની ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી.
- Advertisement -
કેનેડા સરકારના ખાલિસ્તાન તરફના ઝુકાવને લઈ બીટા સિંહે જણાવ્યું હતું કે ભારતે કેનેડાના રાજદૂતને દેશ છોડવાનું કહી દીધું છે. ભારતે કેનેડા સામે યોગ્ય નિર્ણય લીધો છે. હંમેશાં રાષ્ટ્ર પહેલા હોય છે. ખાલિસ્તાન ક્યારેય બન્યું નથી અને બનશે પણ નહીં. કેનેડા ખાલિસ્તાનને લઈને નહીં સુધરે તો જોઈ લઈશું. એમ.એસ. બીટા સિંહનાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કહે છે, અમે કોઈને છેડતા નથી અને જે છેડે તેને મૂકતા નથી. એક બાદ એક ઇલેક્શન આવે છે. દેશમાં સમય અને શક્તિનો વ્યય થાય છે, જેને લઈને હું વન નેશન વન ઇલેક્શનની તરફેણ કરું છું. આજે ચીન આપણાથી થરથર કાપે છે અને પાકિસ્તાનને હાથો બનાવે છે.