ડીજીના આદેશ મુજબ સુરેન્દ્રનગર પોલીસે ગુંડાતત્વોની યાદી બનાવવાનું કર્યું શરૂ : તડીપાર પણ કરી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્ય સરકાર દ્વારા અસામાજીક તત્વો, ગુંડા જેઓ દ્વારા સમાજમાં આતંક મચાવતા હોય તેમના નામની યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે અને તેમની સામે 100 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા જિલ્લા પોલીસે કામગીરી શરૂ કરી છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ ગુંડા તત્વના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસર કૃત્ય જણાય તો કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં 2024 માં 23 પોલીસ મથકોમાં 13909 ગુના નોંધાયા હતા. જ્યારે 2023માં જિલ્લાના 23 પોલીસ મથકોએ 10485 હતી. એક વર્ષમાં 3424 ગુનાઓમાં વધારો થયો છે. 100 કલાકની અંદર રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યાદી તૈયાર થતાંની સાથે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવા દરેક વિસ્તારમાં ચુસ્ત અમલ કરવામાં અમલ કરવામાં આવનાર છે.
- Advertisement -
જિલ્લામાં હાલ કોઇ ગેંગ સક્રિય નથી, નિયમ અનુસાર પગલા લેવાશે
પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા,સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ એવી કોઇ ગેંગ સંગઠિત બની ને ગુના કરતી હોય કે આતંક મચાવતી હોય એવા કિસ્સાઓ નથી. એક માત્ર ગેડીયા ગેંગનો માલવણ હાઇવે પર વાહનોમાં ચોરી લુંટ, ધાડ, ખૂન સહિતના અનેક ગુના આચરી આતંક હતો. આ ગેડીયા ગેંગ સામે પોલીસે સઘન કાર્યવાહી કરી ગુજસીટોક ગુના નોંધી દરેક ગેંગના સભ્યને જેલ હવાલે કરાયા છે. હાલ આ ગેંગનો ત્રાસ નથી. જે હિસ્ટ્રીસીટરો છે તેમની યાદી તૈયાર કરાઇ રહી છે. તેમની સામે નિયમ અનુસાર તમામ પ્રકારના પગલા લેવાશે.
ગુંડાતત્વો સામે આવી કાર્યવાહી કરવા તાકીદ
- Advertisement -
ગેરકાયદે બાંધકામ કર્યુ હોય તેને દૂર કરવા
સરકારી જમીન પર દબાણ હોય તો દૂર કરાશે
ગેરકાયદે વીજકનેકશન કપાશે
અગાઉના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ કોઇ ગેરકાયદે કૃત્યમાં પકડાય તો જામીન રદ કરાશે
પાસા, તડીપાર જેવી કાર્યવાહી
ભાડુઆત અંગે રજિસ્ટ્રેશન ન કરેલ હોય તો કાર્યવાહી થશે