માણાવદરમાં 14 કલાકમાં 6, વંથલીમાં અઢી ઇંચ : જૂનાગઢ શહેરમાં મેઘાડંબર વચ્ચે બપોરનાં 12 સુધી વરસાદનો વિરામ
જૂનાગઢ જિલ્લાની શાળા-કોલેજોમાં આજ અને કાલ રજા જાહેર કરાઇ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં સિઝનનો 113% વરસાદ થયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આજે સવારથી બપોરનાં 12 વાગ્યા સુધી જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. તેમજ આગાહીનાં પગલે જિલ્લાની તમામ શાળા, કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં રાત્રીનાં અડધાથી બે ઇંચ વરસાદ પડયો છે. છેલ્લા 14 કલાકમાં માણાવદરમાં 6 ઇંચ અને વંથલીમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લાનં સુત્રાપાડામાં મેઘરાજાએ સદી ફટકારી દીધી છે. સુત્રાપાડામાં સિઝનનો કુલ 113 ટકા વરસાદ થઇ ગયો છે. આજે સુત્રાપાડામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસનું એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરઠનાં બે જિલ્લામાં વરસાદની આગાહીનાં પગલે શાળા, કોલેજમાં 14 અને 15 જુલાઇનાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. આજે શાળા,કોેલેજ બંધ રહ્યાં હતાં અને હજુ આવતીકાલે પણ બંધ રહેશે. જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીનાં 12 વાગ્યાથી લઇ સવારનાં છ વાગ્યા સુધીમાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. કેશોદ,માંગરોળ અને વંથલીમાં રાત્રીનાં 2-2 ઇંચ વરસાદ થયો હતો. જયારે માણાવદરમાં એક ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને મેઘાવી માહોલ બન્યો હતો. સવારનાં 10 થી 12 વાગ્ય દરમિયાન વરસાદ આવી પહોંચ્યો હતો. માણાવદરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ થઇ હતો. માણાવદરમાં છેલ્લા 14 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો હતો. તેમજ વંથલીમાં 12 વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં આજે ભારે વરસાદની આગહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં રાત્રીનાં સામાન્ય વરસાદ પડયો હતો. કોડીનારમાં રાત્રીનાં એક ઇંચ વરસાદ થયો હતો. સવારનાં 10 થી 12 દરમિયાન સુત્રાપાડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ચાર ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. સુત્રાપાડામાં સિઝનનો 113 ટકા વરસાદ થઇ ગયો છે.
- Advertisement -
હિરણ-1 ડેમ 70 ટકા ભરાઈ જતાં 13 ગામોને એલર્ટ કરાયા
મેંદરડા તાલુકાનાં સાસણ ગીર પાસે આવેલા હિરણ-1 ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવક થઇ છે. હિરણ-1 ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. ડેમમાં 1672.56 ક્યુસેક પાણીની આવક છે. હિરણ-1 ડેમ 70 ટકા ભરાતા કમલેશ્ર્વર નેસ, દાજીયાનેસ, ચિત્રાવડ, ચિત્રોડા, ગિદરિયા, ખીરધાર, બોરવાવ, રમરેચી,સાંગોદ્રા, ઘુસિયા, તાલાલા, સાસણ અને ભાલછેલ સહિત કુલ 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.