ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જામનગર રોડ પર આવેલી ક્રાઈસ્ટ હૉસ્પિટલની ફરી એકવખત ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા ક્રાઈસ્ટ હૉસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે ડિલિવરી કરવા આવેલી એક મહિલાનો જીવ ગયો હતો તો હાલમાં ક્રાઈસ્ટ હૉસ્પિટલની અક્ષમ્ય બેદરકારીને કારણે ડિલિવરી કરવા આવેલી એક મહિલાનો જીવ જોખમમાં મૂકાયો હતો. રાજકોટના મોરબી રોડ પર રહેતા ઉર્વીશાબેન ભગીરથભાઈ કમાણીએ ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં થયેલા કડવા અનુભવ સંદર્ભે તમામ આધાર પુરાવા સાથે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અરજી કરી છે જેમાં તેમણે ક્રાઈસ્ટ હૉસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડો. અનવર સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. બનાવની વિગત અનુસાર ફરિયાદી ઉર્વીશાબેન ભગીરથભાઈ કમાણી ગત તા. 18 ઓક્ટોબરના રોજ ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ડિલિવરી કરાવવા માટે ગયા હતા.
ક્રાઈસ્ટ હૉસ્પિટલ અને તેમના ડૉ. અનવર સિપાઈ સહિતના વિરુદ્ધ પોલીસ કમિશનરમાં અરજી કરી કાર્યવાહી કરવા દર્દીની માગ
- Advertisement -
ડૉ. અનવર સિપાઈ અને ક્રાઈસ્ટ હૉસ્પિટલની બેદરકારીના કારણે દર્દીના પરિવારને 3.50 લાખનો ખર્ચ થયો
પરંતુ ડૉ. અનવર સિપાઈએ તેમને હજુ ડિલિવરીમાં આઠથી દસ દિવસની વાર હોય તેવું જણાવી રવાના કરી દીધા હતા. તે જ દિવસે ઉર્વીશાબેન કમાણીને દુ:ખાવો ઉપડતા તેઓ ફરી ક્રાઈસ્ટ હૉસ્પિટલ ગયા હતા જ્યાં ડો. અનવર સિપાઈએ તેમને દાખલ થવા જણાવ્યું હતું. ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ઉર્વીશાબેન કમાણીની ડિલિવરી નોર્મલ રહી નહતી અને તેમનું સીઝરીયન કરવું પડ્યું હતું. આ ટ્રીટમેન્ટમાં ક્રાઈસ્ટ હૉસ્પિટલ અને ડો. અનવર સિપાઈની ગંભીર બેદરકારીને કારણે ઉર્વીશાબેન કમાણીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. તેમને બ્લડિંગ શરૂ થઈ ગયું હતું, લીવર, કિડની કામ કરવાના બંધ થઈ ચૂક્યા હતા. ક્રાઈસ્ટ હૉસ્પિટલે પોતાની ભૂલ ઢાંકવા ઉર્વીશાબેન કમાણીને સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને કેસ બગડતા હાથ ઊંચા કરી દીધા હતા. નસીબજોગે ઉર્વીશાબેન કમાણી સિવિલ હૉસ્પિટલ અને ત્યારબાદ અન્ય એક ખાનગી હૉસ્પિટલમાં 10 દિવસથી વધુની સારવાર મેળવી બચી ગયા હતા પરંતુ ક્રાઈસ્ટ હૉસ્પિટલની બેદરકારીને કારણે તેમને 3.44 લાખ જેટલો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો. તેથી ઉર્વીશાબેન કમાણી અને તેમના પરિવારે ભોગવેલા શારીરિક, માનસિક, આર્થિક નુકસાન બદલ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી ક્રાઈસ્ટ હૉસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડો. અનવર સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
- Advertisement -
ક્રાઈસ્ટ હૉસ્પિટલનું લાયસન્સ કેન્સલ કરી ડૉ. અનવર સિપાઈને કડક સજા જરૂરી
રાજકોટના મોરબી રોડ પર રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા ઉર્વીશાબેન ભગીરથભાઈ કમાણીએ ક્રાઈસ્ટ હૉસ્પિટલ ક્રાઈસ્ટ હૉસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડો. અનવર સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. આ પ્રથમ વખત નથી જ્યારે ક્રાઈસ્ટ હૉસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ પ્રકાશમાં આવી હોય. અવારનવાર ક્રાઈસ્ટ હૉસ્પિટલ અને તેમના ડોક્ટરોની બેદરકારીના કારણે કેટલાય દર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે. ઘણાય દર્દીઓને શારીરિક, માનસિક, આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. આથી હવે ક્રાઈસ્ટ હૉસ્પિટલનું લાયસન્સ કેન્સલ કરી ડો. અનવર સિપાઈને કડક સજા થાય એ જરૂરી બની ગયું છે.
આયુષમાન કાર્ડ હોવા છતાં ક્રાઈસ્ટ હૉસ્પિટલે દર્દી પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો!
ઉર્વીશાબેન ભગીરથભાઈ કમાણી ગત તા. 18 ઓક્ટોબરના રોજ ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ડિલિવરી કરાવવા માટે દાખલ થયા હતા. ઉર્વીશાબેન કમાણી અને તેમના પરિવારના જણાવ્યા અનુસાર તેમની પાસે આયુષમાન કાર્ડ હોવા છતાં ક્રાઈસ્ટ હૉસ્પિટલ દ્વારા તેમની પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને ક્રાઈસ્ટ હૉસ્પિટલ તેમજ ડો. અનવર સિપાઈની ગંભીર બેદરકારીને કારણે તેઓને 3.44 લાખ જેટલો ખર્ચ થયો હતો. આયુષમાન કાર્ડ ધરાવતા વ્યક્તિની સારવાર તદ્દન મફતમાં થતી હોવા છતાં ક્રાઈસ્ટ હૉસ્પિટલે દર્દી ઉર્વીશાબેન કમાણી અને તેમના પરિવાર પાસેથી કઈ સારવારનો ક્યાં કારણોસર એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો એ અંગેની તપાસ જરૂરી છે.