પોલીસથી બચવા રાતોરાત બોગસ મિનિટ્સ બુક બનાવી નાખ્યાનો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટના અગ્નિકાંડમાં રિમાન્ડ પર રહેલા પૂર્વ ટીપીઓ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ ડીસીબી પોલીસમાં નોંધાઈ છે જેમાં પોલીસથી બચવા બોગસ મિનિટ્સ બુક ઊભી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI ડી.સી. સાકરીયાએ રાજકોટ મહાનગરપાલીકા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠિયા સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગ્નિકાંડના આરોપી મનસુખ ધનજીભાઈ સાગઠિયા (ઉં.વ.55)ની પૂછપરછ દરમિયાન તેણે ટી.પી.ઓ એટલે કે, પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિવિધ મિટિંગોની મિનિટ્સ નોંધ પુરાવા તરીકે પોતાના બચાવ અર્થે રજૂ કરી હતી. આ ફાઇલ તેણે રજૂ કરતા તા. 3.6.2024ના રોજ સરકારી પંચોની હાજરીમાં કબજે કરવામાં આવી હતી. ફાઇલમાં રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના લેટર હેડ હેઠળ ટાઉન પ્લાનિંગ ઓફિસરના અધ્યક્ષ સ્થાન શાખાની કામગીરી અંતર્ગત અલગ-અલગ તારીખે યોજાયેલ મિટિંગની કાર્યવાહી નોંધ હતી.
જેમાં એટીપી તથા સર્વેયર તથા અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જે મિનિટ્સ નોટ પરની સહીઓની પેટર્ન ઉપરથી આ તમામ કાર્યવાહી નોંધ તેમાં જણાવેલ તારીખના દિવસે નહિ, પરંતુ તે સિવાયના અન્ય કોઇ દિવસે એક જ સાથે સહી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ઉભી કરી હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાયું હતું મનપાના ટાઉન પ્લાનિંગ શાખાના એટીપી, સર્વેયર તેમજ અન્ય કર્મચારીઓના રૂબરૂ નિવેદનો લેતા જણાય આવ્યું છે કે, તા.27.5.2024ના રોજ સાંજના 4.36 વાગ્યે વેસ્ટ ઝોનના એ.ટી.પી. રાજેશ મકવાણાએ ટી. પી. ટેકલનિકલ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે,PSI સાહેબની સૂચના અન્વયે સાંજે 6.30 કલાકે તમામ ટેકનિકલ સ્ટાફે સેન્ટ્રલ ઝોન ખાતે મિટિંગ માટે હાજર રહે. જે મેસેજ અન્વયે ટેકનિકલ સ્ટાફના ટાઉન પ્લાનિંગ શાખાના સબંધીત કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન ટી.પી.શાખાની ઓફિસ ખાતે હાજર રહ્યાં હતો. તેમજ જે તે સમયના ટી.પી.ઓ. એમ. ડી. સાગઠિયા હાજર હતા. તેઓએ કહ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે તે બાબતે પોલીસ કોઇ પણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે. જેથી મારા બચાવ અર્થે મેં મારે લેવાની થતી સમયાંતરેની મિટિંગ લીધી હોય કે ન લીધી હોય, પરંતુ સમયાંતરેની તમામ મિનિટ્સ નોટ બનાવી છે. તેમાં તમારે બધાને લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ છે આ મુજબ બોગસ દસ્તાવેજ ઊભા કરી ગુલાબી ફાઇલ બનાવનાર સાગઠિયા સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.