ક્રેઈન તૂટતા ગેન્ટ્રી બંગલા પર પડ્યું: મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ અટકી
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.23
સુરતમાં મેટ્રો રેલની કામગીરી સતત જોખમી બની રહી છે. એક જ મહિનામાં બીજો અકસ્માત થયો છે. ગુરુવારે ઢળતી સાંજે નાના વરાછામાં ચીકુવાડી વિસ્તારમાં ગર્ડર લોન્ચ કરવા માટે તોતિંગ વજનની ગેન્ટ્રીને બે ક્રેઈનની મદદથી ઇન્સ્ટોલ કરતી વખતે બંને ક્રેઈન તૂટી ગઈ હતી.
- Advertisement -
ક્રેઈન તૂટતાં તેના ઉપર ઉંચકાયેલી ભારેખમ વજનવાળી ગેન્ટ્રી બાજુમાં આવેલા એક બંગલા સાથે અથડાઈને જમીન ઉપર ધડાકાભેર પડી હતી. બંગલાનો એક હિસ્સો તૂટી ગયો હતો અને નીચે ત્રણ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મેટ્રોના સરથાણાથી ખજોદ વચ્ચેના રૂટ ઉપર નાના વરાછા ઢાળ પાસે પીઅર નં-સીપી-109થી 111 વચ્ચે ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાતી હતી. બે પીઅર વચ્ચે સ્પાનના જુદા જુદા સેગમેન્ટને લોન્ચ કરવા માટે પહેલા ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરાય છે અને પછી આ ગેન્ટ્રીની મદદથી સ્પાનના જુદા જુદા સેગમેન્ટને લોન્ચ કરીને આખો સ્પાન તૈયાર કરાય છે. એટલે ઉપરોકત પીઅર વચ્ચે બે ક્રેઈનની મદદથી ભારેખમ ગેન્ટ્રીને ઇન્સ્ટોલ કરવા માટેની કામગીરી ચાલતી હતી.
બંને ક્રેઈન ઉપર ગેન્ટ્રી ઊંચકાયેલી હતી ત્યારે જ ક્રેઈન ફેઈલ થતાં તૂટી ગઈ હતી. એક ક્રેઈન ફેઈલ થતાં બીજી ક્રેઈન ઉપર આખી ગેન્ટ્રીનું વજન નહીં રહેતા બીજી ક્રેઈન પણ તૂટી ગઈ હતી. બંને ક્રેઈન તૂટી પડતાં તેના ઉપર ઉંચકેલી ગેન્ટ્રી ધડાકાભેર જમીન ઉપર પટકાઈ હતી. જોકે, તોતિંગ વજનની ગેસ્ટ્રી જમીન ઉપર પડે તે પહેલાં બાજુમાં આવેલા એક બંગ્લા ઉપર તે અથડાઈ હતી. બંગલાનો એક હિસ્સો આ ગેન્ટ્રીના વજનથી તૂટી ગયો હતો. ત્યારબાદ જમીન ઉપર ગેન્ટ્રી પટકાતા ત્યાં પાર્ક કરેલી ત્રણ કારનો ખુરદો બોલી ગયો હતો.
- Advertisement -
સદનસીબે બંગલો ખાલી હતો અને કાર પાર્ક કરી ત્યાં કોઈ હાજર નહતું. એટલે કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહતી. અલબત્ત ક્રેઈન તૂટી પડતાં ગભરાયેલા ક્રેઈનના ડ્રાઈવરે કેબિનમાંથી કૂદકો મારતા તેને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગેસ્ટ્રી અને ક્રેઈન પડવાથી સમગ્ર નાના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે સ્થળ પર હાજર મેટ્રો રેલના અધિકારીઓએ ‘ખબર નહીં કઈ રીતે થયું’ કહીને સમગ્ર મામલે તપાસ કરીશું, તેમ કહી પ્રાથમિક પ્રતિભાવ આપ્યો હતો.