પોણા બે વર્ષ સુધી કામગીરી અટકી પડી હતી
એમપી થિયેટર, યોગા સેન્ટર અને ડિજિટલ ફાઉન્ટેન જેવી સુવિધાઓ મળશે; વહીવટી કારણોસર કામગીરી અટકી હતી: ચીફ ઓફિસર
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
- Advertisement -
વાંકાનેર નગરપાલિકા દ્વારા વર્ષ 2021માં 9.5 કરોડના ખર્ચે શરૂ કરાયેલા મલ્ટિ-ફેસિલિટી ગાર્ડનનું કામ પોણા બે વર્ષ સુધી અટકી પડ્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોને આ આધુનિક ઉદ્યાનમાં ટહેલવા માટે હજી 6 થી 8 મહિના જેટલો સમય રાહ જોવી પડી શકે છે.
આ ગાર્ડનમાં એમપી થિયેટર, યોગા સેન્ટર, ડિજિટલ ફાઉન્ટેન, જોગિંગ ગાર્ડન, કિડ્સ પ્લેઇંગ એરિયા, ગ્લો ગાર્ડન, કાફેટેરિયા, ટોયલેટ અને પાર્કિંગ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવાની છે.
વહીવટી કારણોસર વિલંબ: પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા મુજબ, અગાઉ કોઈ વહીવટી કારણસર કામગીરી અટકી પડી હતી. જોકે, હવે કામ ફરી શરૂ કરાયું છે અને વધારાની સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 10.50 કરોડ સુધી પહોંચ્યો છે.
ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, હયાત ગાર્ડનના રિનોવેશન કામમાં ઓછો સમય લાગે છે, પરંતુ આ બગીચામાં અનેક નવી સુવિધાઓ ઊભી કરવાની હોવાથી નવીનીકરણમાં થોડો વધુ સમય લાગશે. જોકે, આ ઉદ્યાન તૈયાર થયા પછી શહેરનું એક બેનમૂન આકર્ષણ બનશે તેમાં કોઈ શંકા નથી.