પોરબંદર મહાનગરપાલિકાનું પ્રથમ ઐતિહાસિક બજેટ
આધુનિક પોરબંદરની નવી દિશા: ફાટકમુક્ત મહાનગર,
આઇકોનિક રોડ, પર્યટન વિકાસ અને સકારાત્મક પરિવર્તનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકાએ પોતાના પ્રથમ ઐતિહાસિક બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે ₹869 કરોડની ફાળવણી મંજૂર કરી છે. કમિશ્નર એચ.જે. પ્રજાપતિ, ડેપ્યુટી કમિશ્નર મનન ચતુર્વેદી અને વહિવટદાર એસ.ડી. ધાનાણીએ બજેટ રજુ કરતાં જણાવ્યું કે, આ બજેટ માત્ર નાણાકીય આયોજન નથી, પરંતુ પોરબંદર મહાનગરની ભવિષ્યની નક્કર વિકાસયાત્રાની શરૂઆત છે. શહેરની પ્રાથમિક સુવિધાઓમાં સુધારો, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન સ્થળોના વિકાસ અને મહાનગરની ભાવિ દિશા માટે મહત્વપૂર્ણ નિર્ણયો આ બજેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને નવેસરથી તેજ ગતિ અપાવાશે, અને નવા પ્રોજેક્ટ્સના માધ્યમથી પોરબંદરને એક આધુનિક મહાનગરમાં પરિવર્તિત કરવાની દિશા નક્કી કરાઈ છે.
મહાનગરના પ્રજાજનો માટે મહત્વના પ્રોજેક્ટ્સ
1. પોરબંદરના મુખ્ય રસ્તાઓનું વિકાસ અને બ્યુટીફિકેશન
આઇકોનિક રોડ: નરસંગ ટેકરીથી કમલાબાગ અને છાયા ચોકીથી રતનપર ચોકડી સુધીના મુખ્ય માર્ગોને આઇકોનિક લુક આપવામાં આવશે. આ માર્ગો પર ડેકોરેટિવ લાઈટિંગ, ફૂટપાથ ડેવલપમેન્ટ, ડિવાઇડર્સ, ટ્રી પ્લાન્ટેશન અને આર્ટિસ્ટિક પેઇન્ટિંગસ દ્વારા સુંદર બનાવાશે.
પર્યટન સ્થળોનું આધુનિકીકરણ: પોરબંદરનું રતનપર બીચ ટૂંક સમયમાં “બ્લૂફ્લેગ બીચ” તરીકે વિકસાવવામાં આવશે, જેમાં વિઝિટર્સ માટે આધુનિક સુવિધાઓનો સમાવેશ થશે.
નરસંગ ટેકરી ઓવરબ્રિજની નીચે મનોરંજન સુવિધાઓ: નરસંગ ટેકરી બ્રિજની નીચે બાગ-બગીચા, નાઈટ શેલ્ટર, પાર્કિંગ સુવિધાઓ, વર્ટીકલ ગાર્ડન અને ફૂડ સ્ટ્રીટ બનાવાશે.
2. ટ્રાફિક અને ફાટકમુક્ત શહેરની દિશામાં મહત્વની યોજનાઓ
ભદ્રકાલી ફાટક અને કડિયા પ્લોટ ફાટક ઓવરબ્રિજ: આ બે મુખ્ય વિસ્તારની ટ્રાફિક સમસ્યા દૂર કરવા ઓવરબ્રિજ બનાવાશે, જેથી શહેરીજનો ફાટક બંધ થવાના કારણે થતી હાલાકીમાંથી છુટકારો મેળવી શકે.
મહાનગરમાં નવા ગામોના વિકાસ માટે રસ્તા અને સુવિધાઓ: વનાણા, દિગ્વિજયગઢ, રતનપર અને જાવર જેવા નવેસરથી મહાનગરમાં ભળેલા ગામોમાં પિચડેલાં રસ્તાઓને નવા ડામર અને સી.સી. રોડ દ્વારા સુધારાશે.
- Advertisement -
3. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વના પ્રોજેક્ટ્સ
વેટ અને ડ્રાય વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ: પોરબંદર શહેર માટે વૈજ્ઞાનિક રીતે કચરાના નિકાલ માટે નવી પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવાશે, જેથી ગંદકી ઘટાડીને સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે.
3.88 લાખ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક નિકાલ: શહેરમાં વર્ષોથી એકઠા થયેલા કચરાના વિજ્ઞાનસંમત નિકાલ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સફાઈ માટે આધુનિક સાધનોની ખરીદી: મિકેનાઈઝ રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરાવાળી વાહનો, ડમ્પર્સ, જેસીબી અને અન્ય સાધનોની ખરીદી હાથ ધરાશે.
4. વરસાદી પાણી નિકાલ અને નાગરિક સુવિધાઓ
સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક: છેલ્લા ચોમાસામાં પોરબંદરમાં જળભરાવની સમસ્યા વધી હતી, જેને ધ્યાને લઈને નવું ડ્રેનેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
પીવાના પાણીની લાઇન અપગ્રેડેશન: પોરબંદર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા પાણી પુરવઠા નેટવર્ક અને પાઈપલાઈન બદલીને અપગ્રેડ કરવામાં આવશે.
5. સામાજિક વિકાસ અને જાહેર સુવિધાઓમાં વધારો
આધુનિક ટાઉનહોલ: મહાનગરમાં એક વિશાળ ટાઉનહોલ બનાવાશે, જ્યાં મોટી સંખ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય.
સ્ટેટ લાઈબ્રેરી અને આર્ટ ગેલેરી રિનોવેશન: શહેરના વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે સ્ટેટ લાઈબ્રેરી અને આર્ટ ગેલેરીને આધુનિક બનાવાશે.
નવા એસ્પીરેશનલ ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટ: શહેરમાં 3 એસ્પિરેશનલ ટોઇલેટ અને 4 કોમ્યુનિટી ટોઇલેટ બાંધવામાં આવશે.
6. મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય અને સુખાકારી સેવાઓ
રેન બસેરા અને નાઈટ શેલ્ટર: પોરબંદર મહાનગરમાં ઘરવિહોણા લોકોને આશરો મળી રહે તે માટે નાઈટ શેલ્ટર બાંધવામાં આવશે.
હિન્દુ સ્મશાનભૂમિ અપગ્રેડેશન: સ્મશાનભૂમિને આધુનિક બનાવવા માટે અપગ્રેડેશન યોજાઈ રહ્યું છે.
સુકાળા તળાવનું રિનોવેશન: તળાવ પાસે વોક-વે, બગીચા અને લાઈટિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
7. સસ્તા ઘરો અને નવું રોકાણ માટે આકર્ષક પગલાં
અફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓ: મહાનગર વિસ્તારમાં આવાસ યોજનાઓ અંતર્ગત નવી વસાહતો અને ફ્લેટ પ્રોજેક્ટ્સ માટે વિકાસ યોજનાનું અમલ થશે.
નવા રોકાણ માટે ખાસ પ્રોત્સાહન: પોરબંદર શહેરમાં નવા ઉદ્યોગો અને રોકાણ લાવવા માટે ખાસ પ્રોત્સાહન યોજના તૈયાર કરવામાં આવી છે.