ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક હળવી મજાક કરી જે સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા.
પીએમ મોદી અને પીએમ લક્સન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત
- Advertisement -
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ન્યુઝીલેન્ડમાં સક્રિય ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમને આશા છે કે ન્યુઝીલેન્ડ સરકાર આ તત્વો સામે કડક કાર્યવાહી કરશે.
ખાલિસ્તાન સંબંધિત મુદ્દા પર ચર્ચા
આ અંગે બોલતા વિદેશ સચિવ જયદીપ મઝુમદારે કહ્યું કે ખાલિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા મહત્વપૂર્ણ હતી. જયદીપ મજુમદારે કહ્યું “અમે અમારા મિત્ર દેશોને તેમની અંદર સક્રિય ભારત વિરોધી તત્વોની પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપીએ છીએ.” આ તત્વો ઘણીવાર આતંકવાદને મહિમા આપવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરે છે અને આપણા રાજદ્વારીઓ, સંસદ અને ભારતીય કાર્યક્રમો પર હુમલાની ધમકી આપે છે. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ સરકારે ભૂતકાળમાં આ ચિંતાઓને ગંભીરતાથી લીધી છે અને આ વખતે પણ તેને ધ્યાનમાં રાખી છે. ભારત સરકારે આ મુદ્દા પર સ્પષ્ટપણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને બંને દેશોએ પરસ્પર સહયોગની આશા વ્યક્ત કરી.
- Advertisement -
રાજદ્વારી વિવાદથી બચીએ
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને મીડિયાને સંબોધતા મજાકમાં કહ્યું કે, ‘હું ખરેખર પ્રશંસા કરું છું કે પીએમ મોદીએ ભારત સામે ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો મુદ્દો ઉઠાવ્યો નથી અને મેં ભારતમાં અમારી ટેસ્ટની જીતનો મુદ્દો ઉઠાવ્યો નથી. ચાલો તેને આમ જ રહેવા દઈએ અને રાજદ્વારી વિવાદને ટાળીએ.’ લક્સનની આ વાતથી પીએમ મોદી સહીત તમામ હાજર લોકો હસવાનું રોકી શક્યા ન હતા.
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ભારતે 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે એક ઓવર બાકી રહેતા આ સિદ્ધિ મેળવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને ટેસ્ટ સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે ભારત ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચની ટેસ્ટ સિરીઝમાં હાર્યું હતું.