ગૌતમ ઋષિએ સ્થાપિત કરેલું સ્વયંભૂ શિવલિંગ
ત્રેતાયુગના ગૌતમ ઋષિ દ્વારા પાર્થિવ શિવલિંગ સ્થાપવાના સંકલ્પ બાદ રાફડામાંથી શિવલિંગ પ્રગટ્યું; અહલ્યાના શાપ મુક્તિની કથા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ
- Advertisement -
પરમાત્માના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. ભાવનગર ખાતેનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ બપોરના ત્રણેક વાગે સ્થાનિક પ્રિય મિત્ર હરેશભાઈ, જીતેન્દ્રસિંહજી અને મનીષભાઈ મને શિહોર લઈ ગયા. બપોરે એક વાગ્યે લંચ દરમિયાન મનીષભાઈએ મને વાત-વાતમાં કહ્યું હતું કે શિહોર ખાતે ગૌતમેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે, ક્યારેક ત્યાં દર્શનાર્થે જજો. મને ત્યાં જવાની ઈચ્છા તો થઈ આવી હતી, પરંતુ શિહોર હું જિંદગીમાં ક્યારેય ગયો નથી અને હવે ક્યારેક જવાશે એવી કલ્પના પણ ન હતી. પણ અચાનક જ મનમાં ઉદ્ભવેલી ઈચ્છા સાકાર થઈ. હરેશભાઈએ કાર શિહોર તરફ વાળી લીધી.
ગૌતમતેશ્ર્વર મહાદેવનું મંદિર પહાડો કોતરીને બનાવવામાં આવેલું છે. એને અડીને જ ગૌતમી નદી વહે છે. આસપાસ જંગલ જેટલા ગાઢ વૃક્ષો ઊભા છે. પુજારી શ્રીરમેશગીરી જ્ઞાની પુરુષ નીકળ્યા. એમણે આ મંદિર વિશે સારી એવી અધિકૃત માહિતી આપી.
સનાતન વૈદિક ધર્માનુસાર ચાર યુગોમાંથી સત્યયુગ પછીનો યુગ ત્રેતાયુગ મનાય છે. આ યુગમાં ભગવાન શ્રીરામ થઈ ગયા.
- Advertisement -
ગૌતમ ઋષિ અને તેમના ધર્મ પત્ની અહલ્યાની ઘટના પુરાણ પ્રસિદ્ધ છે. શાપને કારણે અહલ્યા શીલા બની ગઈ અને એ નિર્દોષ સ્ત્રીએ જ્યારે આજીજી કરી કે હું તો પવિત્ર જ હતી અને છું પણ મને ભ્રમિત કરવામાં આવી હતી, તો પછી મારી આ સ્થિતિ શા માટે? ત્યારે શાપનું નિવારણ જણાવવામાં આવ્યું કે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ તને સ્પર્શ કરશે અને તું શાપમાંથી મુક્ત થઈશ. આ ઘટનાથી ઉદ્વિગ્ન થયેલા ગૌતમ ઋષિ પરિભ્રણ માટે નીકળી પડ્યા અને ફરતા ફરતા શિહોરમાં આવ્યા. એમના મનમાં ભગવાન સોમનાથના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. ભારતમાં બાર જ્યોતિર્લિંગ અને 64 જેટલા સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. ગૌતમ ઋષિએ પહાડોની વચ્ચે પાર્થિવ શિવલિંગ બનાવીને સ્થાપવાનો સંકલ્પ કર્યો. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે ઉધઈના રાફડાની માટી ઉપયોગમાં લેવામાં આવે છે. ગૌતમ ઋષિએ જ્યારે રાફડાની માટી હટાવી ત્યારે ત્યાં અંદર શિવલિંગ જોવા મળ્યું. ગૌતમ ઋષિએ પ્રથમ વાર તેની પૂજા કરી માટે તે ગૌતમેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું.
આ જગ્યાએ પ્રાચીનકાળના પવિત્ર આંદોલનો આજે પણ અનુભવી શકાય છે. શ્રીરમેશગીરીજી એ મારી સાથે લગભગ બે અઢી કલાક સુધી ધર્મ અને અધ્યાત્મ વિશે ચર્ચા કરી. અમે બંનેએ જ્ઞાન અને માહિતીનું આદાન-પ્રદાન કર્યું. વર્તમાન પેઢીના યુવાનો અને યુવતીઓની રીતભાત માટે તેમણે ચિંતા વ્યક્ત કરી. અમે બંને એક વાત પર સંમત થયા કે આ સ્થળ પિકનિક, પર્યટન કે મોજ-મજા માટે બનેલું નથી. અહીં અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો કે અશ્લીલ વાણી-વર્તન ચલાવી શકાય નહીં. આ સ્થળના પરિસરમાં ધૂમ્રપાન કે શરાબપાન નિષિદ્ધ છે. પૂજારી શ્રીરમેશગીરીજીના ગુરુ સ્વર્ગસ્થ શ્રીજગદીશ્ર્વરાનંદજી જ્યાં બેસીને કાષ્ઠમૌન ધારણ કરીને ભક્તિ કરતા હતા તે ઓરડીના પણ મેં દર્શન કર્યા. આમ્રવૃક્ષ અને બીલીવૃક્ષથી છાયેલા આ પવિત્ર તીર્થ સ્થાનમાં ફરી ક્યારેક આવીને એક દિવસ અને એક રાત રહેવાનો અને ધ્યાન સાધના કરવાનો સંકલ્પ કરીને મેં શ્રીરમેશગીરીજીની વિદાય લીધી. હું તમામ મિત્રોને જીવનમાં એક વાર ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનો અનુરોધ કરું છું. અત્યંત રમણીય, અત્યંત પ્રવિત્ર અને અત્યંત પ્રાચીન એવું આ મંદિર તમને વધારે ભક્તિભાવ ભર્યું બનાવશે.



