ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો પ્રસંગ એટલે ‘શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ’ જેમાં છતીસકોમ સંગઠિત થઈ કૃષ્ણભાવ પ્રગટ કરવા જઈ રહ્યું છે, જેમાં ગોકુળદ્વારથી કનૈયાની સાથે આવતા ભોળા ભરવાડ સમાજને આવકારવા દ્વારિકાદ્વારથી આહિર સમાજની આગેવાનીમાં આનંદવિભોર છતીસે કોમ ઝુમશે. રબારી સમાજ ધર્મધજા સાથે રંગત જમાવશે. ચારણ સમાજના અષાઢી કંઠે ગવાયેલ દુહા, છંદ સાથે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથ કાળીયા ઠાકરને આહવાન કરાશે. નાગરની કરતાલ ગુંજશે તો કુંભાર ભગતની તુલસી માળા ફરશે, ક્ષત્રિયાણી મીરાની મધુરતા મોહનને મંત્રમુગ્ધ કરશે તો ક્ષત્રિયો ધર્મદંડ કેશવને અર્પણ કરશે. રાવળના ડાક વાગે ને જૈન સમાજ આગમ શાસ્ત્ર આવનારા તીર્થકરને આપશે ને બારોટ સમાજ સંજયના સ્વરે શ્યામ નિહાળશે.
- Advertisement -
છતીસે કોમ ઠાકરના નાદ સાથે ઝૂમી ઉઠશે.શહેરના આનંદનદર 144 એસઆઈટી ફ્લેટ ઓનર્સ એસોસિએશન આનંદનગર કોલની આયોજિત ‘શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ’નું 144 ગાયત્રી મંદિરવાળો બગીચો ખાતે તા. 20-8થી 27-8 દરરોજ સાંજે 7થી 11 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં મહારાજા માંધાતાસિંહ જાડેજા ઓફ રાજકોટ તથા રાજ પરિવાર ખાસ ઉપસ્થિત રહેશે.તા. 20-8 ને મંગળવારે નગરચર્યા સાંજે 4-30 કલાકે, કૃષ્ણભાવ આહવાન સાંજે 7 કલાકે આહીરાણીઓ દ્વારા રાસરંગ, ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર, સ્થાપન પૂજન સાંજે 7-30 કલાકે આનંદ અર્પણ સાંજે 7-45 કલાકે, તા. 20-8 ને સાંજે 8-15 કલાકે અમિયલ આશિષ આઈ શ્રી દેવલમા, ચારણ સંત પાલુ ભગત સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી અને ટીટા ભાગત આર્શીવચન પાઠશે.આ મહોત્સવમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મહેમાનો, મહાનુભાવો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આનંદનગર કોલોનીના રહેવાસીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આજરોજ છતીસકોમના અગ્રણીઓ અશોકભાઈ ગઢવી, હેમત લોખીલ, જગાભાઈ રબારી, ભીખાભાઈ ભરવાડ, ગોપાલ બોરાણા, દર્શનભાઈ ભીલ, રાજેશ બારોટ, કેતન જરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, માણસુરભાઈ વાળા, દિનેશભાઈ ચાવડા, દિગેશ વાઘેલા, જીગ્નેશભાઈ વાગડીયા, અંકિત વોરા, અજયભાઈ ડાભી, કાનાભાઈ ડાભી, ખોડાભાઈ ડાભી, હરેશભાઈ રબારી, ડો. રવી પાટડીયા, કલ્પેશ પાટડીયા આવ્યા હતા.