કાર્તિક મહેતા
સૈયારા જેવી પ્રેમકથાઓ અનેક બને છે.. લોકો એને પસંદ કરે છે. કેમકે, પ્રેમની લાગણી એવા હોર્મોન શરીરમાં પ્રેરે છે જે બહુ બળવાન હોય છે. પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયો ના કોઈ, એક હી આખર પિહુ કા, પઢે સો પંડિત હોઇ……. આ પંક્તિઓ બહુ જાણીતી લાગશે.. લાગે તે સ્વાભાવિક છે કેમકે હિન્દી ફિલ્મોના માધ્યમથી આપણે સતત “ઢાઈ અક્ષર પ્રેમ કા” સાંભળીએ છીએ. આ દોહાના રચયિતા કબીરજી એ તો ઉપર લખ્યું એમ “એક હિ આખર પિહું કા” એવું લખેલું. એક હિ આખર પીહુ કા નો અર્થ શું? એક હિ આખર પિહૂ કા એટલે ઈશ્વરના નામનો એક જ અક્ષર એવો ૐ કાર. ઈશ્વરને અનેક સ્વરૂપે પુજી શકાય એવી વ્યવસ્થા આપણા ઉદાર એવા હિંદુ ધર્મમાં છે. એમાં એક સ્વરૂપ છે “પ્રિયતમ” નું સ્વરૂપ. પોતાને એક પ્રેમિકા ધારીને ઈશ્વરને પોતાના પ્રેમી ગણીને ઈશ્વરની ભક્તિ કરવી એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે. આથી તો આપણે ત્યાં ઈશ્વરને નાથ /સ્વામી એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. કબીર જી નાથ સંપ્રદાયની વિચારધારાથી અત્યંત પ્રભાવિત એવા ગૃહસ્થ યોગી હતા. એમણે પોતાના દોહાઓમાં સતત પ્રાણાયામ, સાધના અને યોગમાર્ગ ના વર્ણન કર્યા છે. ગુરુ ગોરખનાથજી રચિત ગોરક્ષ સંહિતા અને હઠયોગ અંગેના સાહિત્યમાં જે યોગ માર્ગનું વિવરણ છે તે જ વિવરણ કબીરજી એ સરળ ભાષામાં લોકોને આપ્યું. પણ, બોલીવુડવાળાઓએ કબીરજી રચિત આ ક્લાસિક દોહાનો અનર્થ કરી નાખ્યો. સ્ત્રી પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમને ઘુસાડીને કબીરજીના આ અદભૂત આધ્યાત્મિક દોહાને વિકૃત કરી મૂક્યો !! સ્ત્રી પુરુષ વચ્ચેનો પ્રેમ સંબંધ જન સામાન્ય નો પ્રિય વિષય છે. કોઈ એવું ના મળે જેને પ્રેમ કથામાં રસ પડે નહિ. સિગ્મંડ ફ્રોઈડ કહેતા કે સેકસ માનવ જીવનનું ચાલક બળ છે. સ્ત્રી પુરુષ વચ્ચેનો પ્રેમ ખરેખર આ સેકસ માટેની પૂર્વ તૈયારી હોય છે આથી દરેક માણસને પ્રેમની વાતો આકર્ષે છે. પ્રેમ એક અદ્ભુત લાગણી છે. પ્રેમ થતા જ માણસ પોતાની આસપાસની તમામ વિષમતાઓ વિસરી જાય છે, દુનિયાને ફૂલ ગુલાબી જોવા લાગે છે, એને મધુરાધિપતેરખીલમ મધુરમ એટલે કે આ આખું ફાની તોફાની નાશવંત એવું જગત મધુરું મીઠું લાગવા લાગે છે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી કે પ્રેમ જેટલી સુંદર મધુર અને આનંદ આપતી લાગણી બીજી કોઈ ઈશ્વરે બનાવી નથી. આથી લોકોને પ્રેમકથાઓ વાંચવી અને જોવી ગમે છે.
- Advertisement -
પ્રેમગીત સાંભળવા ગમે છે. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ વિજાતીય પ્રેમની અનેક કથાઓ મૂકવામાં આવી છે.શ્રીકૃષ્ણ અને રાધાજી વચ્ચેના પ્રેમનું વર્ણન જે શ્રીમદ્ ભાગવત થી લઈને ગીત ગોવિંદમાં થયેલું છે તે અત્યંત શૃંગારિક છે. આપણા આદિકવિ નરસિંહ મહેતાએ પણ રાસલીલાનું અતિ શૃંગારિક વર્ણન કર્યું છે જેમાં શ્રીકૃષ્ણ અને રાધા /ગોપીઓ વચ્ચેના પ્રેમની વાત છે. શિવતાંડવ સ્તોત્ર જેની રચના રાવણે કરી હોવાનું કહેવાય છે તેમાં પણ શિવ અને પાર્વતી વચ્ચેના પ્રણયની વાતોને સૂક્ષ્મ રીતે વણી લેવાઈ છે. કાલિદાસ રચિત કુમાર સંભવમ કાર્તિક સ્વામીના જન્મની કથા છે એમાં પણ શિવ અને પાર્વતીના પ્રણયને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ઈસ્લામિક કાળમાં ખીલી ઉઠેલ ફારસી અને હિન્દીના મિક્ષ્ચર સમાન ઉર્દૂ સાહિત્યે પણ પ્રેમ ઉપર અઢળક રચનાઓ આપી છે. અમુક રચનાઓ તો એટલી ગહન અને હ્રદયસ્પર્શી મળી આવે કે એને પામીને ધન્યતાની લાગણી થાય !! પરંતુ હવે એક મહત્વની વાત કરવાની છે. આ બધા સાહિત્યમાં જે પ્રેમ , જે ઇશ્ક (ફારસી શબ્દ જેના મૂળ સંસ્કૃત એવા “આસક્તિ”માં છે, આસક્તિ જેને કૃષ્ણ પરમ શત્રુ કહે છે , એ જ) ની વાત આવે છે તે શું સ્ત્રી પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમની વાતો છે?? જવાબ છે : ના. ફારસી શાયરીઓ હોય કે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય. એમાં જે ક્લાસિક પ્રેમના વર્ણનો છે તે બધા મોટેભાગે મેટફર છે, એટલે કે પ્રતીકાત્મક છે. એમાં દેખીતી રીતે ઘણી વાર તો સેકસ અને શૃંગારને લગતી વાતો , અરે ઘણીવાર તો રીતસર અશ્લીલ વાતો પણ રજૂ થઈ છે. એમ છતાં આ વાતોમાં ક્યાંય સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમની વાત ખરેખર નથી (એવું યોગમાર્ગના જાણકારો કહે છે) કુમાર સંભ્વમમાં કાર્તિકેયનાં જનમ માટે શિવપાર્વતી સંભોગરત થાય તે ક્રિયા કોઈ સ્ત્રીપુરુષ વચ્ચેની સેકસ ક્રીડા નથી!! તે યોગ માર્ગની કુંડલિની જાગરણની પ્રક્રિયાનું પ્રતીકાત્મક નિરૂપણ છે જેમાં મગજમાં સ્થિત શિવને મુલાધારમાં વસતી પાર્વતી (જે કરોડરજ્જુ સ્વરૂપ હિમાલયની પર્વતમાળાને પાર કરીને) કૈલાસ રૂપી મગજમાં વિરાજમાન શિવને મળી જાય છે. કબીરજી પણ આવી અનેક પ્રતીકાત્મક પ્રક્રિયાઓ નું વર્ણન કરે છે.
જેમકે, કબીરજી કહે છે કે જિહ્વા એટલે કે જીભને તાળવે અડાડીને સુરભી ભક્ષણ થાય છે. સુરભી ભક્ષણ એટલે તો ગોમાંસ ભક્ષણ થાય પણ અહીંયા ગોમાંસ ભક્ષણ એટલે જીભને તાળવે અડાડીને બ્રહ્મરંધ થી આવતો સોમરસ પીવાની એક યોગિક ક્રિયાને સુરભી ભક્ષણ કહેવાય. મીરાંબાઈ જ્યારે કહે છે કે “સાંસો કી માલામે સિમરું મે પી કા નામ” ત્યારે તે સ્વર વિદ્યા એટલે કે શ્વાસની વિદ્યા વડે ઈશ્વર એટલે કે પિયુ (પ્રિયતમ) ને સાધવાની વાત માંડે છે. આપણા સૌરાષ્ટ્રના સતી પાનબાઈ પણ શ્વાસ વડે નાડિશુદ્ધી કરીને ઈશ્વર પ્રાપ્તિની વાતો કરતા જણાય છે. ફારસી /ઉર્દૂ શાયરીઓમાં પણ સાકી અને શરાબના ઉલ્લેખ પ્રતીકાત્મક છે કેમકે ઇસ્લામમાં શરાબ હરામ છે. એટલે શરાબનું અનુમોદન થાય નહિ. તો અહીંયા જે શરાબની વાત છે તે કબીર જી કે મીરાબાઈ કે ગુરુ ગોરખનાથ દ્વારા જે સોમરસ પીવાની વાત છે તેનું પ્રતીક છે. આસક્તિ એટલે કે આશિકી એટલે કે ઇશ્ક એટલે કે મહોબ્બત એટલ કે પ્રેમ એક બહુ ખતરનાક લાગણી છે. યુવાન વયમાં આ લાગણી એટલી ઉદ્દંડ હોય છે કે અનેક લોકોના જીવન એને કારણે બરબાદ થઈ જતા હોય છે. ફિલ્મોમાં દેખાડવામાં આવતી કે વાર્તાઓમાં લખવામાં આવતી આશિકી અને મહોબ્બત બહુ લલચામણી હોય છે. ભોજનમાં જેટલું મીઠું /નમક મહત્વનું છે એટલું જ મહત્વ જીવનમાં આ ઇશ્ક /આશિકી/મહોબત/પ્યાર/પ્રેમ વગેરે નું છે. એના વિના જીવન ફિક્કું છે. એટલે તો ઈશ્વરને પામવાનો માર્ગ પ્રદર્શિત કરવા માટે વિદ્વાનોએ પ્રેમ્મનું રૂપક પસંદ કર્યું છે પણ નમક જો સ્વાદ થી વધારે પડી જાય તો ભોજનને તદ્દન અખાદ્ય બનાવી શકે છે.