તાલુકા પોલીસ સ્ટેશન, બે ઓટો મોબાઇલ શો રૂમ, કોસ્મોપ્લેકસ સહિતની 8 જેટલી મિલ્કતની કમ્પાઉન્ડ વોલ પણ દુર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ રાજકોટનો સૌપ્રથમ કેબલ ઓવરબ્રીજ અને રીંગ રોડની દિશામાં અંડરબ્રીજ બનાવવાના કામનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ સાડા ત્રણ મહિના પહેલા કર્યુ હતું. આ બાદ મુખ્ય રોડ પરથી જતો હેવી ટ્રાફિક ડાયવર્ઝન તથા સર્વિસ રોડ પર વાળવાના કામો ઝડપથી આગળ વધારવામાં આવ્યા છે.
તે અંતર્ગત મોટા ભાગે સર્વિસ રોડ, રસ્તા પર આવતી તાલુકા પોલીસ સ્ટેશન, બે ઓટો મોબાઇલ શો રૂમ, કોસ્મોપ્લેકસ સહિતની આઠ જેટલી મિલ્કતની કમ્પાઉન્ડ વોલ પણ દુર કરવામાં આવી છે ત્યારે હવે ટુંક સમયમાં કટારીયા ચોકવાળો માર્ગ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ માનવામાં આવે છે.
જલારામ ફૂડ કોર્ટથી કટારીયા ચોક ક્રોસ કરીને કોસ્મોપ્લેકસ સિનેમા સુધી ફોરલેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રીજ બનવાનો છે. તો રીંગ રોડની દિશામાં ઘંટેશ્વર સાઇડના બ્રીજથી રંગોલી આવાસ પાસેના ગોંડલ રોડ તરફના રસ્તા સુધી અંડરબ્રીજ બનવાનો છે. થોડા દિવસ પહેલા આ અંડરબ્રીજના પાયા ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે ડાયવર્ઝનના કામ પૂરા થવા આવ્યા છે. જયાંથી અમુક અંશે વાહનોની અવરજવર શરૂ થઇ છે. હવે આ કટારીયા ચોકમાં મુખ્ય ફલાયઓવરનું કામ શરૂ કરવા તૈયારી થઇ છે. મુખ્ય માર્ગે પાયાનું કામ શરૂ કરવા રોડ બંધ કરવા કોર્પો. દ્વારા હવે પોલીસને પત્ર લખવામાં આવશે.
તુરંતમાં મુખ્ય રોડ બંધ કરવાનું જાહેરનામુ બહાર પડશે. 167 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. જેમાં 744 મીટર લંબાઈ અને ર3.10 મીટર પહોળાઇનો 33 લેનનો બ્રીજ બનવાનો છે. આ બ્રીજનો સૌથી મોટો પ્રોજેકટ 30 મહિનામાં પુરો થાય તેવી ગણતરી રાખવામાં આવી છે. તાજેતરમાં કમિશનરે આ બ્રીજ પ્રોજેકટ સાઇટની મુલાકાત લીધી હતી. કટારીયા અને કીયા શો રૂમ તરફના ભાગે સર્વિસ રોડના કામ પુરા થયા છે. જલારામથી કટારીયા તરફ લાઇન શીફટીંગના કામો પુરા કરવામાં આવ્યા છે. જયાં ઝુંપડાનું દબાણ હટાવાયું તે ચોકના ખુણે સર્વિસ રોડનું કામ ચાલુ છે. ડાયવર્ઝન પરથી વાહનો પસાર પણ થવા લાગ્યા છે. હવે પોલીસનું જાહેરનામુ આવે એટલે આ ચોક વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવશે. આ રોડનો ટ્રાફિક જલારામ રેસ્ટોરન્ટ પહેલા ડાયવર્ટ થશે. રીંગ રોડની બંને તરફ કોસ્મો સામે અને પાછળના ભાગના ડાયવર્ઝનમાંથી વાહન વ્યવહાર ચાલશે.
બીજી તરફ કોર્પો.ના વધુ આયોજન અંગે સીટી ઇજનેર કુંતેશ મહેતાએ કહ્યું હતું કે કેકેવી ચોકમાં જે રીતે બ્રીજના કામ સાથે સાઇડના સર્વિસ રોડ ચાલુ હતા તે રીતે કટારીયા ચોકમાં પણ સાઇડમાં સર્વિસ રોડ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવા ગણતરી છે.
આ માટે સર્વિસ રોડના કામ પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. આ બ્રીજ અંતર્ગતના સર્વિસ રોડના 90 ટકા જેટલા કામ પૂરા થયા છે. કલ્વર્ટનું કામ પણ સાથે થવાનું છે. ગેસ કંપની, પીજીવીસીએલ કંપની સાથે સંકલન કરીને આ તમામ કામગીરી કરવામાં આવી છે.
અંડરબ્રીજ અને ઓવરબ્રીજનું કામ એકસાથે થતું હોય તેવો આ પહેલો પ્રોજેકટ છે. તેની કુલ મુદત 30 મહિના છે. છતાં આ કામ ગતિથી ચાલે તે માટે તંત્ર ખડેપગે રહે તેવી સૂચના કમિશનરે આપી છે.



