ચૂંટણી તો અમે પણ લડીએ છીએ પણ શું બોલવું તેનું ભાન રાખવું જોઈએ, બોલવામાં શરમ રાખવા ઈટાલિયાને સલાહ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરાબા વિરુદ્ધમાં અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આકરી ટિપ્પણી કરી ગોપાલ ઇટાલિયાને આડેહાથ લઈ તેમની સાથે ડિબેટમાં આવવા ખુલ્લી ચેલેન્જ આપી હતી.
આ મુદ્દે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આપણા દેશનું ગૌરવ છે. તેમના વિશે અને તેમના માતા હીરાબા વિશે આપ નેતા ગોપાલ ઈટાલીયાએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ શરમજનક છે. હીરાબા ગાંધીવાદી છે અને તે માત્ર પીએમ મોદીના જ નહીં પરંતુ સમગ્ર દેશના માતા છે. છેલ્લા 40 વર્ષથી કાંતિભાઈ હીરાબાને ઓળખે છે. દેશના વડાપ્રધાનના માતા હોવા છતાં હીરાબા એક નાનકડા ઘરમાં રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી તો અમે પણ લડીએ છીએ પણ શું બોલવું તેનું ભાન રાખવું જોઈએ. ક્યારેય કોઈ વિશે આ પ્રકારે શાબ્દિક પ્રહાર ન કરવો જોઈએ. નરેન્દ્ર મોદીનો જન્મ ભારતના વિકાસ માટે થયો છે. તેના વિષે અણછાજતું બોલાવનો હક ગોપાલ ઈટાલીયાને કોણે આપ્યો ?. આ ઉપરાંત તેમણે ગોપાલ ઈટાલીયાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, ડિબેટમાં મારી સાથે આવ અને પછી જો તને હું જવાબ આપું તેમ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિડીયો જાહેર કરીને કહ્યું હતું.