સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની ઉંઘ ક્યારે ઉડશે ?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના મોટા ભાગના માર્ગો જર્જરિત અવસ્થામાં છે. ઠેર ઠેર માર્ગ પરના ખાડા વાહનચાલકોના જીવ લઈ રહ્યા છે. મોરબી જીલ્લા પંચાયત હસ્તકના એક ગામ કે તાલુકાને જોડતા માર્ગો અત્યંત દયનીય સ્થિતિમાં છે તેમાં પણ મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી પીપળી રોડને જોડતા માર્ગ પર ગાળા ગામ પાસે આવેલ બ્રીજ તૂટેલી હાલતમાં છે. આ બ્રીજ પરથી અનેકવાર વાહન નીચે પડી જવાની ઘટના બની છે. ગ્રામજનોએ અનેકવાર જીલ્લા પંચાયત વિભાગમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી મોરબી જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા આ બ્રીજનું કામ શરુ કરવામાં ન આવતા ગુરુવારે મોડી રાત્રે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો.
- Advertisement -
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાંકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ થોભણભાઈ હમીરપરા નામના 42 વર્ષના યુવાન ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બાઈક લઈને અણિયારીથી મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ ગાળા ગામના જર્જરિત પુલ ઉપર બાઈક લઈને પસાર થતી વખતે એક મસમોટા જીવલેણ ખાડામાં બાઈક સાથે નીચે પટકાતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ પુલ એટલી હદે જર્જરિત અવસ્થામાં છે કે ત્યાંથી વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને સામે ચાલવા બરોબર છે જેથી તંત્રએ વહેલી તકે આ જોખમી પુલ અવરજવર માટે બંધ કરીને તેના રીનોવેશન માટે યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે અને જો તંત્રને આ એક મોત બાદ પોતાની જવાબદારીનું ભાન થયું હોય તો તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા આ પુલનું રીપેરીંગ કરવાંમાં આવે તે જરૂરી છે.