ફોન બંધ કરી 13.64 લાખની ચાંદી લઈ વતન રાજસ્થાન ભાગી ગયેલા કર્મચારી સામે છેતરપિંડીની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ રાજસ્થાનના વતની અને હાલ રણછોડનગરમાં આકાશ લોજિસ્ટિક નામની કુરિયર પેઢી ચલાવતાં આકાશસીંગ ગિરિરાજસીંગ પરમારે ઉ.25એ તેની જ ઓફિસના કર્મચારી રાજસ્થાની લક્ષ્મણપુરી કિશનપુરી ગોસ્વામી સામે 13.64 લાખની છેતરપિંડી અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પોતાના વતન રાજસથાન ગયો હતો અને તા.7ના લક્ષ્મણપુરીને ફોન કરીને કહ્યું હતું કે, બે દિવસમાં પોતે રાજકોટ આવશે, લક્ષ્મણપુરીએ પણ પોતાને રાજસ્થાન જવું છે તેવી વાત કરી હતી. જોકે આકાશસીંગે પોતે આવી જાય પછી જજો તેમ કહ્યું હતું. બાદમાં સાંજે આકાશસીંગે ફોન કર્યો તો લક્ષ્મણપુરીના બંને મોબાઇલ સ્વિચઓફ આવતા હતા. આકાશસીંગે ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો ઓફિસ બંધ હતી બાદમાં તા.9ના આકાશસીંગ રાજકોટ આવ્યા ત્યારે રાજધાની સિલ્વર ઓર્નામેન્ટના સંચાલક પ્રશાંતભાઇ સુબોધભાઇ ચોવટિયા અને શિવશક્તિ ઓર્નામેન્ટના સંચાલક કુરિયરની ઓફિસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તેમણે બંનેએ કુલ રૂ.13,64,560ની કિંમતના 19.323 કિલો ચાંદીના દાગીનાના બે પાર્સલ મહારાષ્ટ્રના હુપરી ગામે મોકલવા લક્ષ્મણપુરીને આપ્યા હતા. બંને પાર્સલ હુપરી પહોંચ્યા હતા અને ત્યાં વેપારીએ ખોલ્યા તો અંદરથી લોટ-મીઠું અને પથ્થર હતા જેથી વતનમાં ભાગી ગયેલા કર્મચારીએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.