એક ગરીબના મહિનાના ગુજરાન જેટલો ખર્ચ મતદાર દીઠ ચૂંટણીમાં થાય છે
CMS ના દાવા મુજબ આ વખતે લોકસભા ચૂંટણીમાં 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચાઇ શકે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
ચૂંટણીઓ મોંઘી થતી જાય છે. આ વખતે 81 કરોડ લોકોને 5 કિલો મફત રાશન ઉપલબ્ધ કરાવવા પર લગભગ 2 લાખ 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. અર્થાત 3 મહિનાનો સરેરાશ ખર્ચ લગભગ 59 હજાર કરોડ રૂપિયા લગભગ આટલી જ રકમ 2019 ની લોકસભા ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવી હતી.
ત્યારથી પાંચ વર્ષ વીતી ચુકયા છે. ઈલેકટોરોય બોન્ડ સહીત બીજા તમામ માધ્યમોથી પૈસાની ગુંજ આ વખતની ચૂંટણીમાં ઘણી વધુ હશે. અનુમાન છે કે દેશના સૌથી ગરીબ લોકો જેટલા પૈસામાં મહિનાનુ ગુજરાન ચલાવે છે લગભગ એટલા જ પૈસા આ વખત સરેરાશ દરેક વોટર પર વહેવડાવવામાં આવશે. ઈલેકશન કમિશનનાં આંકડા અનુસાર 2014 ની ચૂંટણી કરાવવામાં સરકારી ખર્ચ લગભગ 3870 કરોડ રૂપિયા હતો. જોકે સેન્ટર ફોર મીડીયા સ્ટડીઝ (સીએમએસ)ના રીપોર્ટ અનુસાર 2014 માં પાર્ટીઓ અને ઉમેદવારો તરફથી વહાવવામાં આવેલ પૈસા સહીત કુલ ખર્ચ 30 હજાર કરોડ રૂપિયા આસપાસ હતા. સીએમએસ અનુસાર 2019 માં લોકસભા ચૂંટણીમાં ખર્ચ બે ગણો થઈને 60 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયો તેમાં ચૂંટણી પંચનો ખર્ચ 15 ટકા રહ્યો હશે.
પહેલી ચૂંટણીમાં લાગ્યા હતા 10 કરોડ
- Advertisement -
ઇલેક્શન કમિશનના અનુસાર 1958ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં લગભગ સાડા દસ કરોડ રુપિયા ખર્ચાયા હતા. કારણ કે દરેક ચીજ નવેસરથી કરવાની હતી, જ્યારે બીજી સામાન્ય ચૂંટણીમાં ખર્ચ 5.7 કરોડ રુપિયા થયો હતો.
પાર્ટીઓ માટે ખર્ચની કોઇ સીમા નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે અધિકતમ ચૂંટણી ખર્ચની સીમા 95 લાખ રુપિયા છે પણ પાર્ટીઓ માટે આવી કોઇ સીમા નથી. એસોસીએશન ફોર ડેમોક્રેકિટ રિફોર્મ્સના એક સ્ટડી અનુસાર 2019માં ચૂંટણીમાં 7 નેશનલ અને 25 રિજિયોનલ પાર્ટીઓએ ઇલેકશન કમિશનને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણીની જાહેરાત અને તેના સંપન્ન થયા દરમ્યાન 75 દિવસમાં 6405 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા ને એ દરમિયાન 2591 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા.
એડીઆરના સ્ટડી મુજબ 2019માં કેશ અને ચેકથી ભાજપે 4057 કરોડ રુપિયા મળ્યાની જાણકારી આપી હતી. કોંગ્રેસ 1167 કરોડ રુપિયા ભેગા કર્યા હતા. ભાજપે કેશ અને ચેકથી સૌથી વધુ 1141 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. કોંગ્રેસે 626 કરોડ ખર્ચ કર્યાની જાણકારી આપી હતી. જો કે ત્યાર પછી ખર્ચ ઘટ્યો નહીં, બલ્કે વધ્યો હતો. 1967માં લગભગ 11 કરોડ, તેના બે દાયકા પછી 1989માં આ ખર્ચ 154 કરોડ રુપિયાથી વધુ થયો હતો. 2014માં ખર્ચ થયેલી આ રકમ 2009ની તુલનામાં ત્રણ ગણી વધુ રહી હતી. 2009માં લગભગ 1114 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ સ્થળે સભા, સરઘસો અને રેલીઓનું આયોજન કરીને ઉમેદવારો મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કરશે. આ દરમ્યાન રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા પાણીને જેમ પૈસો વહાવીને ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા 95 લાખ રૂપિયા નિયત કરી છે.
ઉમેદવાર દ્વારા થતાં ખર્ચની સમીક્ષા માટે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવ જિલ્લા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષોની બેઠક યોજીને ચૂંટણી દરમિયાન થતાં ખર્ચના ભાવ નક્કી કર્યાં છે. નક્કી કરેલાં ભાવ મુજબ આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર 95 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે. ઉમેદવારી પત્રક ભરવાથી લઈને તમામ પ્રકારના પ્રચાર માટેના જાહેર કાર્યક્રમો, ચૂંટણી સભાઓ અને રેલીઓ માટે ખર્ચના ભાવ તંત્રે નક્કી કર્યાં છે, તે મુજબ જ કરવાના રહેશે. જાહેર સભાઓ અને કાર્યાલય પર રાખવામાં આવતી ખુરશીનો પ્રતિનંગે 10 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. જાહેર સભા દરમિયાન આવતાં સ્ટાર પ્રચારકો માટે રેડ કાર્પેટ પાથરવાનો ભાવ 1 ચોમીના 90 રૂપિયા રાખ્યો છે. આ ઉપરાંત પાઈપવાળા મંડપનો ભાવ 1 ચોમી 120 રૂપિયા, ડોમ મંડપનો પ્રતિ ચોમી 800 રૂપિયા જ્યારે ડોમમાં પાણીના ફુવારા માટે પ્રતિનંગે 1 હજારનો ભાવ નક્કી કરાયો છે.ઉપરાંત ટેબલ 500 રૂપિયે અને જેની પરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તે પોડિયમનો 850 રૂપિયા ભાવ નક્કી કરેલ છે. જાહેર સભા અને કાર્યાલયમાં ફાયર સેફ્ટીને લઈને ફાયર એક્સ્ટીગ્યુસર માટે 1200 રૂપિયા નક્કી કરાયાં છે.
ચૂંટણી પ્રચારમાં ચા અને ભજીયાના નાસ્તાની જાયફત થતી હોય છે. ભજીયા અને ચાનો ખર્ચ લાખોમાં થાય છે, ત્યારે ચૂંટણી તંત્રે 100 ગ્રામ ભજીયા કે બટાકાવડાના 30 રૂપિયા અને અડધો કપ ચા કે કોફીના 6 રૂપિયા નક્કી કર્યાં છે. જ્યારે મિષ્ઠાન વગરની ગુજરાતી થાળી 90 રૂપિયામાં અને મિષ્ઠાન સહિત 140નો ભાવ નિયત કર્યો છે.
બુકે અને હારનો ભાવ પણ નક્કી
સ્ટાર પ્રચારકોના સન્માન અર્થે 50 રૂપિયાના સાદા હારથી લઈને 500 રૂપિયા સુધીના બુકેના ભાવ નક્કી કરાયો છે. ઉપરાંત વીવીઆઈપી લાકડીની ખુરશીનો ભાવ પ્રતિ નંગ 60 રૂપિયા રખાયો છે. જ્યારે પ્રચાર દરમિયાન વપરાંતા વાહનોમાં પ્રતિકિમી ફોર વ્હિલર માટે 10 રૂપિયા, ટુ વ્હિલર માટે 5 રૂપિયા અને ખુલ્લી જીપ પ્રતિ દિવસ માટે 7500 કે પછી રેલી દરમિયાન 25 રૂપિયા પ્રતિકિમીનો ભાવ નક્કી કરાયો છે. ગરમીને ધ્યાને રાખીને પાણીના ટેન્કરનો ભાવ 600 રૂપિયા નિયત કર્યો છે. પ્રચાર દરમિયાન રિક્ષાનું પ્રતિદિનનું ભાડું 900 જ્યારે ફોર વ્હિલરનું 4000 નક્કી કરેલ છે.
ઓગસ્ટા હેલિકોપ્ટરનો ભાવ 4.35 લાખ
પક્ષના સ્ટાર પ્રચારકોના પરિવહન માટે હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ કરાતો હોય છે. જેમાં સૌથી વધુ 4.35 લાખનો ભાવ ઓગસ્ટા-139 એસી ટ્વીન એન્જિન હેલીકોપ્ટરનો પ્રતિ કલાક માટે નક્કી કરાયો છે. જ્યારે એરક્રાફ્ટમાં સૌથી વધુ ચેલેન્જર જેટ એરવેઝના 4.95 લાખ પ્રતિ કલાકના દરે ભાવ નિયત કર્યાં છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરમાં સૌથી નિચા ભાવે બેલ-206એસી ટ્વીન એન્જિનના 1.27 લાખ પ્રતિ કલાકે નક્કી કર્યો છે.